IPL 2023 : ગુજરાતે બેંગ્લોરનું સપનું તોડ્યું, 6 વિકેટે હરાવ્યું

IPL 2023ની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે બેંગ્લોરનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ગુજરાતની જીત સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાતે શુભમન ગિલની અણનમ સદીના આધારે 19.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગિલ પહેલા વિરાટ કોહલીએ પણ અણનમ સદી ફટકારી હતી.


ગુજરાતની જીત સાથે પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સિઝનનો પ્રથમ ક્વોલિફાયર ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ 23 મેના રોજ રમાશે. આ પછી એલિમિનેટર મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ 24 મેના રોજ રમાશે.


શુભમન ગિલે અણનમ સદી ફટકારી

ગુજરાત તરફથી શુભમન ગિલ અને વિજય શંકરે શાનદાર બેટિંગ કરી હતી. વિજય શંકર 35 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી છે. આ પહેલા ઓપનર રિદ્ધિમાન સાહા માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. દાસુન શનાકા ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને હર્ષલ પટેલે શૂન્ય રને આઉટ કર્યો હતો. ડેવિડ મિલર 7 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન અંત સુધી રહ્યો. ઝડપી બેટિંગ કરતા તેણે 52 બોલમાં અણનમ 104 રન બનાવ્યા હતા. ગિલે 5 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. રાહુલ તેવટિયા 4 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ગુજરાતે શાનદાર જીત નોંધાવી હતી.


વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન

પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલી અને કેપ્ટન ડુ પ્લેસિસ ઓપનિંગ કરવા આવ્યા હતા. ડુપ્લેસિસ 19 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કોહલી અંત સુધી રહ્યો હતો. તેણે 61 બોલનો સામનો કરીને અણનમ 101 રન બનાવ્યા હતા. કોહલીએ 13 ચોગ્ગા અને એક છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સિવાય ગ્લેન મેક્સવેલે 5 બોલમાં 11 રન બનાવ્યા હતા. મહિપાલ લોમરોર 1 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેસલે 26 રનનું યોગદાન આપ્યું હતું. અનુજ રાવત 23 રન બનાવીને અણનમ રહ્યો હતો.


ગુજરાત તરફથી નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી

ગુજરાતને પ્રથમ સફળતા નૂર અહેમદે અપાવી હતી. તેણે કોહલી અને ડુપ્લેસીસની જોડી તોડી હતી. નૂરે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ લીધી હતી. યશ દયાલે 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. મોહિત શર્માને એક પણ સફળતા મળી નથી.