અમદાવાદઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા જિયો- પોલિટિકલ ટેન્શનને લીધે ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના પ્રારંભિક બે કલાકમાં BSE લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. 10 લાખ કરોડનો ઘટાડો થયો હતો. નિફ્ટી IT સિવાય બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા હતા. નિફ્ટી મિડિયા અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ ઘટ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન રોકાણકારોએ સાવચેતી રૂપે નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી એક તબક્કે સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. જો ટ્રેડિંગ સેશનને અંતે વેચાણો કપાતાં સેન્સેક્સ સુધર્યું હતું. જેથી સેન્સેક્સ 589 પોઇન્ટ તૂટીને 79,212ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 207 પોઇન્ટ 24,039ના મથાળે બંધ થયો હતો.
શેરબજારોમાં PSU બેન્ક ઇન્ડેક્સ, નિફ્ટી એનર્જી, ફાર્મા, મેટલ અને ઓટો ઇન્ડેક્સમાં પણ બે ટકાથી ત્રણ ટકા તૂટ્યા હતા. નિફ્ટીમાં સૌથી મોટો ઘટાડો એક્સિસ બેન્કમાં થયો હતો. SBI, ભારતી એરટેલ, એલ એન્ડ ટી અને બજાજ ફાઇનન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
BSE પર કુલ 4084 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 715 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3248 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 121 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 58 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 40 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 183 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 311 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
