કેનેડામાં ભારતીય અધિકારીઓની સુરક્ષાને ગંભીરતાથી લઈશું: વિદેશપ્રધાન

ઓટાવાઃ કેનેડામાં આઠ જુલાઈએ ખાલિસ્તાનો પોસ્ટરો સાથે દેખાવો કરવાના છે, જે બાબતને કેનેડાની સરકારે ગંભીરતાથી લીધી છે અને જે મુદ્દે સરકાર ભારતીય અધિકારીઓ સાથે સંપર્કમાં છે, એમ કેનેડાના વિદેશપ્રધાન મેલાની જોલીએ કહ્યું હતું. આ ખાલિસ્તાનીઓ કેટલાક ભારતીય નેતાઓનાં નામ અને ફોટાઓ સાથે દેખાવો કરવાના છે. આ દેખાવો કંઈ પૂરા સમાજ દ્વારા નહીં, પણ કેટલાક ચળવળકારો દ્વારા થવાના છે, જેની સરકારે નોંધ લીધી છે.  

વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે કેનેડા, બ્રિટન અને અમેરિકા જેવા ભાગીદાર દેશોને ખાલિસ્તાનીઓની વિચારધારાને ખાળવા અને તેમને પ્રોત્સાહન નહીં આપવા નિર્દેશ આપ્યા છે, કેમ કે આ દ્વિપક્ષી સંબંધો માટે સારી નિશાની નથી. તેમણે કહ્યું હતું કે આ મુદ્દાઓ ત્યાં સરકારની સામે ઉઠાવવામાં આવશે અને કાર્યવાહી કરવા જણાવવામાં આવશે. અમે કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા ભાગીદાર દેશોને વિનંતી કરી છે કે તેઓ ખાલિસ્તાનીઓને કે તેમની ચળવળ માટે જગ્યા ના આપે, કેમ કે જ્યાં પણ ખાલિસ્તાની કામગીરી થાય છે- એ કટ્ટરપંથી વિચારધારા ના તો અમારા માટે સારી છે અને ના તો તેમના માટે સારી છે અને ના અમારા દ્વિપક્ષી સંબંધો માટે સારી છે, એમ તેમણે કહ્યું હતું.

ભારત એ સરકારો સમક્ષ ખાલિસ્તાની પોસ્ટરોનો મુદ્દો ઉઠાવશે અને તેમના દેખાવો ના થાય એ માટે વિનંતી કરશે, એમ તેમણે કહ્યું હતું. ઓટાવામાં ભારતના હાઇ કમિશનર સંજયકુમાર વર્મા અને ટોરેન્ટોમાં કાઉન્સિલ જનરલ અપૂર્વ શ્રીવાસ્તવના ફોટા છે અને એ ફોટા ઉપર ટોરોન્ટોમાં શહીદ નિજ્જરના હત્યારા શબ્દો દેખાય છે.