નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે સરહદે તનાવની સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી બનેલી છે. ગલવાન સંઘર્ષ પછી તો સ્થિતિ વધુ વિસ્ફોટક જોવા મળી છે, પરંતુ હવે બંને દેશો ફરી વાતચીતના રસ્તે આવી ચૂક્યા છે. સંબંધો સુધારવા અને તનાવ ઓછો કરવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે. વળી, હાલના સમયે PM મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત મુલાકાતની પણ ચર્ચા ચાલી રહી છે. આવામાં LAC પર વિવાદને ખતમ કરવાની કવાયત છે.
ભારત અને ચીનના પ્રતિનિધિમંડળ વચ્ચે ગઈ કાલે એક મહત્ત્વની મુલાકાત થઈ હતી. એ મુલાકાતમાં ભારતીય પ્રતિનિધિત્વ જો ઇસ્ટ એશિયાના જોઇન્ટ સેક્રેટરી ગૌરાંગલાલ દાસે કર્યું હતું તો ચીન તરફથી વિદેશ મંત્રાલયના હોંગ લિઆંગ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં દરેક વખતે બંને દેશો વચ્ચનો તનાવ ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને દેશો એ વાત સંમત થયા હતા કે સરહદનો પરનો તનાવ ઓછો કરવા માટે કામ કરવું પડશે.
બંને દેશો વચ્ચે નિર્ણાયક વાતચીત થઈ હતી, જેમાં મતભેદોને ઓછા કરી શકાય અને દરેક મુદ્દે જલદી સમાધાન મળી શકે. બંને દેશો વચ્ચે મુક્ત મને અનેક મુદ્દે વાતચીત થઈ હતી અને સરહદે તનાવ ઓછો કરવા માટે રસ્તો કાઢવા બંને દેશો સહમત થયા હતા. વડા પ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે BRICS સમિટમાં મુલાકાત થાય એવી શક્યતા છે, જેથી બંને દેશોના સંબંધો સુધારવા માટે ભાર આપવામાં આવ્યો હતો.
