સિંગાપોરે ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો

સિંગાપોરઃ કશ્મીરી પંડિત હિન્દુઓની હિજરત વિષય પર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’એ દેશભરમાં ધૂમ મચાવી દીધી છે, પરંતુ સિંગાપોર દેશની સરકારે આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. તેણે એ માટે એવું કારણ આપ્યું છે કે આ ફિલ્મ બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરે એવી છે. સિંગાપોર સરકારે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને રિલીઝ કરવાનું સર્ટિફિકેટ આપી શકાય એમ નથી, કારણ કે તેમાં મુસ્લિમોને ઉશ્કેરણીજનક અને એકતરફી બતાવવામાં આવ્યા છે અને કશ્મીરમાં ચાલી રહેલા ઘર્ષણમાં હિન્દુઓને અત્યાચારનો ભોગ બનતા બતાવવામાં આવ્યા છે. સિંગાપોરમાં જે કોઈ સામગ્રી જાતિવાદી કે ધાર્મિક સમુદાયોને બદનામ કરનારી હોય એને આ શહેર-રાષ્ટ્રનું ફિલ્મ સેન્સર બોર્ડ રિલીઝનું સર્ટિફિકેટ આપતું નથી.’

વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ કહ્યું હતું કે વિદેશી પ્રચારમાધ્યમ આઉટલેટ્સ દ્વારા મારી તેમજ મારી આ ફિલ્મની વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રચાર કરવામાં આવી રહ્યો છે.