ફંડ આપવા માટે WHOની અમેરિકાને ફરી આજીજી

જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ફંડિંગ અટકાવવાના નિર્ણય માટે પુનર્વિચાર કરશે. કોરોના રોગચાળાના પ્રસાર પછી WHO પર ચાલી રહેલા રાજકારણની વચ્ચે WHOના પ્રમુખે મૌન તોડતાં કહ્યું હતું કે વિશ્વને આ રોગચાળાથી બચાવવાનો સંકલ્પ લીધો છે. WHOના ડિરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અદનોમ ઘેબિયસનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકામાં તેમના રાજીનામાની વાતોએ જોર પકડ્યું છે. WHOના ડિરેક્ટર જનરલે કહ્યું છે કે તેમને આશા છે કે અમેરિકા એ વાતમાં વિશ્વાસ કરતું હશે કે એજન્સીમાં ફંડિંગ એક મહત્ત્વપૂર્ણ રોકાણ છે. આ ફંડિંગ બીજાને મદદ કરવા માટે જ નહીં, પણ આ રોગચાળાની વચ્ચે સુરક્ષિત રહેવા માટે અત્યંત આવશ્યક છે.   અમેરિકી પ્રતિનિધિ સભામાં રિપબ્લિકન સંસદસભ્યોના એક જૂથે પાછલા સપ્તાહે સૂચનો કર્યાં હતાં કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેડ્રોસને સ્વૈચ્છિક રાજીનામાની માગ રાખવી જોઈએ. આવ  સવાલના જવાબમાં ડ્રોસે કહ્યું હતું કે હું તો દિવસ-રાત કામ કરતો રહીશ, કેમ કે આ એક ઉમદા કાર્ય છે. તેમણે કહ્યું હતું કે આ સમયે મારી જવાબદારી લોકોના જીવનને સુરક્ષિત રાખવાની છે અને હું એના પર ધ્યાન કેન્દ્રિત કરતો રહીશ. તેમણે કહ્યું હતું કે આ જ કારણ છે કે તમે મને ક્યારેય ફરિયાદ કરતો નહીં જુઓ, કેમ કે આપણને સૌનો સહકાર મળવો જોઈએ.

સભ્ય દેશોને અમેરિકી સહાયતાની એક નવા હપતાની જાહેરાત

ગઈ કાલે એટલે કે 22 એપ્રિલે વોશિંગ્ટનમાં એક સંવાદદાતા સંમેલનમાં અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિઓએ કહ્યું હતું કે વિશિષ્ટ દેશોને અમેરિકી મદદનો એક હપતાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ વાઇરસ સહાયતા 700 મિલિયન ડોલરથી વધુની થઈ છે. અન્ય અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે WHO માટે નહીં ફાળવાયેલા પૈસાનો ઉપયોગ આ ઉદ્દેશ માટે કરવામાં આવશે. એ પૈસાને બસ માત્ર વ્યક્તિગત જૂથોને જ વિતરણ કરવામાં આવશે.

WHO ચીનના હાથનું રમકડું બની ગયું છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે આરોપ લગાવ્યો છે કે WHO ચીનના દુષ્પ્રચારનું સાધન બની ગયું છે. આ કોરોના વાઇરસના સંકટગ્રસ્ત કાળમાં WHO પોતાની શાખ ગુમાવી ચૂકી છે. હાલમાં ટ્રમ્પે WHOને અપાતા ફંડિંગને અટકાવવાની જાહેરાત કરી હતી. તેમણે આ વાઇરસના રોગચાળા દરમ્યાન ચીનનો પક્ષપાત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. WHOનો સૌથી મોટો નાણાસ્રોત અમેરિકા છે.

કોરોના સંકટમાં WHOની શાખ તળિયે

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ બ્રાયને કહ્યું હતું કે WHOની સાથે મુશ્કેલી એ છે કે આ કપરા કાળમાં એની શાખ સાવ તળિયે ગઈ છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા આ સંસ્થા પર 50 કરોડ ડોલરથી વધુ ખર્ચે છે. ચીન એના પર આશરે ચાર કરોડ ડોલર ખર્ચ કરે છે, જે અમેરિકાના યોગદાનના દસમો હિસ્સો છે. એ પછી પણ WHO ચીનના દુષ્પ્રચારનું સાધન બની ગઈ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]