ફેસબુક-જિયો સોદાથી મુકેશ અંબાણી ફરી એશિયાના શ્રીમંત વ્યક્તિ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના અધ્યક્ષ મુકેશ અંબાણી ફરી એક વાર એશિયાની સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. RILની જિયો પ્લેટફોર્મ્સ અને ફેસબુકની વચ્ચે સોદો પાકો થયા બાદ મુકેશ અંબાણી ફરી એક વાર એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિની યાદીમાં સૌથી ટોચ પર પહોંચી ગયા છે. આ સમજૂતી હેઠળ ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 9.9 ટકા હિસ્સો ખરીદ્યો છે. અર્થાત ફેસબુક હવે જિયો લિ.માં રૂ. 43,574 કરોડનું મૂડીરોકાણ કરશે. આ સોદાને કારણે RILના બજાર મૂલ્યમાં રૂ. 45,527.62 કરોડ વધીને રૂ. 8,29,084,62 કરોડ થઈ ગયું હતું.

જિયો-ફેસબુક સોદાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિ જેક મા કરતાં પણ ત્રણ અબજ ડોલર વધુ થઈ ગઈ હતી. આ પહેલાં પાછલા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત ઘટાડાને લીધે મુકેશ અંબાણીની સંપત્તિમાં 14 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

ફેસબુક અને જિયોની વચ્ચે થયેલા સોદાની માહિતી આપતાં ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે જિયો ભારતમાં બહુ મોટું પરિવર્તન લઈને આવશે. જિયોએ ચાર વર્ષથી ઓછા સમયમાં 38.80 કરોડથી વધુ લોકોને ઓનલાઇન સેવાઓમાં જોડ્યા છે. આ સોદો જિયો પ્રત્યે અમારા ઉત્સાહને દર્શાવે છે. બીજી બાજુ RILના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આ સમજૂતીથી ઘણી ઉત્સાહિત છે. તેમણે કહ્યું છે કે જિયોમાર્ટ જિયોનું નવું ડિજિટલ પ્લેટફોર્મ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જિયોમાર્ટ અને ફેસબુકના વોટ્સએપની ત્રણ કરોડ નાની કરિયાણાની દુકાનોને ઓનલાઇન કરવાની યોજના છે.