ભારતીય કંપનીના ચાર કફ-સિરપ સામે WHOની ચેતવણી

ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા નિર્મિત ચાર દૂષિત દવાઓ વિશે વિશ્વવ્યાપી ચેતવણી ઈશ્યૂ કરી છે. સંસ્થાએ કહ્યું છે કે આ ચાર દવા – જે કફ એન્ડ કોલ્ડ (ઉધરસ-શરદી) માટેના સિરપ છે, તે કિડનીને ગંભીર હાનિ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. તેમજ ગામ્બિયા દેશમાં આ દવાઓ લેવાથી 66 બાળકોનાં મરણ પણ નિપજ્યાં છે. WHOનાં ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એધનમ ગેબ્રિસસે ગઈ કાલે પત્રકાર પરિષદમાં આ ચોંકાવનારી માહિતી આપી હતી.

આ ચાર દવા છે – Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup અને Magrip N Cold Syrup. આ દવાઓ ભારતમાં મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ફાર્માસ્યુટિકલ કંપનીએ બનાવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આ કેસમાં કંપની વિરુદ્ધ વધુ તપાસ કરી રહી છે અને સાથોસાથ ભારતમાંના રેગ્યૂલેટરી સંસ્થાના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી રહી છે.

WHOના વડાએ એમ પણ કહ્યું છે કે હાલ માત્ર ગામ્બિયામાં જ આ દૂષિત દવાઓ હોવાનું માલુમ પડ્યું છે. જોકે તે બીજા દેશોમાં પણ વેચવામાં આવી હશે એવું બની શકે છે. તેથી તમામ દેશોએ આ દવાઓ વિશે તપાસ કરવી અને તેને વેચાણમાંથી હટાવી દેવી જેથી દર્દીઓને વધુ કોઈ પ્રકારની હાનિ ન પહોંચે.