ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું : WHOએ ભૂલ સ્વીકારી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એના સિચ્યુએશન રિપોર્ટમાં ભારતમાં કોરોના વાઇરસના ફેલાવાની સ્થિતિને કોમ્યુનિટી ટ્રાન્સમિશન જણાવવા બદલ સ્પષ્ટતા કરી છે. WHOએ પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કહ્યું છે કે આ અહેવાલમાં ભૂલ છે, જેને હવે સુધારવામાં આવી છે અને ભારતમાં ક્લસ્ટર ઓફ કેસીસ (અનેક કેસો) છે, પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું.  

WHOએ અહેવાલમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન લખવાની ભૂલ કરી

વિશ્વભરમાં 16 લાખથી વધુ લોકો કોરોના વાઇરસની ઝપટમાં આવી ચૂક્યા છે અને એક લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. કોવિડ-19ના કેસોના સિલસિલામાં જારી કરવામાં આવેલા અહેવાલમાં ચીનના કોલમમાં ક્લસ્ટર ઓફ કેસીસ લખવામાં આવ્યું હતું, જ્યારે ભારતની કોલમમાં બીમારીના ફેલાવાના સ્તરે કોમ્યુનિસ્ટ ટ્રાન્સમિશન લખવામાં આવ્યું હતું.

કોમ્યુનિટી ટ્રાન્સમિશન એ સ્થિતિને કહેવામાં આવે છે, જેમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થયા કરે અને સંક્રમણનો સ્રોત શોધવામાં મુશ્કેલી પડે. ભારતમાં ગઈ કાલે સવાર સુધી કોરોનાના 6,412 કેસ નોંધાયા હતા, જેમાં 199 લોકોનાં મોત થયાં હતાં.

WHO દ્વારા જાહેર કરાયા પછી આ રોગે કેટલાક સમયમાં જ દુનિયાઆખીને ભરડામાં લઈ લીધી છાએ અને શુક્રવારે કોવિડ-19નો પહેલો કેસ આવ્યા બાદ 100 દિવસ પૂરા થયા છે.