હમાસ ઇઝરાયેલી બંધકોને છોડી મૂકે તો યુદ્ધ પૂરું: PM નેતાન્યાહુ

નવી દિલ્હીઃ ઇઝરાયેલી સેના દ્વારા હમાસના નેતા યાહ્યા સિનવારને મારી કાઢ્યા પછી PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું હતું કે તે હમાસની સાથે જારી યુદ્ધને આવતી કાલે ખતમ કરી દેશે, પરંતુ એના માટે હમાસે એ બંધકોને છોડવા પડશે, જે તેમની કેદમાં છે.

હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું હમાસ ઇઝરાયેલની શરતોને માનશે? કે નહીં, કેમ કે ઇઝરાયેલી સેના એના અનેક મોટા નેતાઓને યુદ્ધમાં મારી નાખ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર હમાસના કબજામાં હજી પણ કમસે કમ 102 લોકો છે. તેમને છોડાવવા માટે ઇઝરાયેલ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે.

નેતાન્યાહુએ ગાઝાના લોકો માટે એક ખાસ સંદેશ આપ્યો હતો કે જે સિનવારને તમે લોકો સિંહ સમજતા હતા, એ ખુદ છુપાઈને બેઠો હતો. તે તમારું ભલુ નહોતો કરી રહ્યો.

બીજી બાજુ, અમેરિકા પણ સિનવારની હત્યાથી ઘણું ખુશ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલી PMને ફોન પર આ શુભેચ્છા આપતાં યુદ્ધને લઈને આગળની યોજના પર વિચાર શેર કર્યા હતા. બાઇડને બંધકોને છોડાવવા પર વધુ ભાર મૂક્યો હતો.

ગયા વર્ષે સાત ઓક્ટોબરે ઇઝરાયેલમાં થયેલા હુમલા પાછળ યાહ્યા સિનવાર જ માસ્ટરમાઇન્ડ હતો. જેને મારવા માટે IDF વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. જે લાંબા સમય પછી માર્યો ગયો હતો. આ પહેલાં ઇઝરાયેલી સેનાએ હમાસના ચીફ ઇસ્માઇલને 31 જુલાઈએ મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ તેના સહયોગી સમૂહ હિજબુલ્લા ચીફ હસન નસરલ્લા પણ માર્યો ગયો હતો.