કોરોના વાઈરસ ચીનની બહાર 17 ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે: WHOની ચેતવણી

ન્યૂયોર્કઃ આખું વિશ્વ હાલ કોરોના વાઈરસ રોગચાળાની ઝપટમાં આવી ગયું છે. આ રોગચાળો ચીનથી શરૂ થયો છે અને અત્યાર સુધીમાં 80 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. દુનિયાભરમાં કોરોનાનાં 97,510 કેસો નોંધાયા છે. કુલ 3,345 જણનાં મરણ નિપજ્યા છે. એકલા ચીનમાં જ 2,900 જણના જાન ગયા છે.

ઈટાલીમાં મરણાંક વધીને 148 થયો, કોરોનાનાં કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 3,858 પર પહોંચી છે. બ્રિટનમાં કોરોનાને કારણે પહેલું મરણ નોંધાયું છે અને કેસોની સંખ્યા 115 થઈ છે.

દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આ રોગચાળો ચીનથી બહાર 17 ગણી વધારે ઝડપે ફેલાઈ રહ્યો છે તેથી લોકોએ આ રોગચાળાને ધીમો પાડવા માટે તમામ પગલાં લેવા.

ઈરાનમાં 90 જણના મરણ થઈ ચૂક્યા છે. અમેરિકામાં પણ 9 જણનાં મરણના સમાચાર છે.

ભારતમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 30 થઈ

દરમિયાન, કોરોના વાઈરસ ભારતમાં પણ ઘૂસી ગયો છે. એનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 30 થઈ છે. આમાં 16 જણ ઈટાલીથી આવેલા પર્યટકો છે.

ભારતમાં છેલ્લા બે દિવસમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે.

કોરોના રોગચાળાને કારણે રાષ્ટ્રપતિ કોવિંદ, વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ આ વખતે હોળી-ધૂળેટીનો તહેવાર ન ઉજવવા તથા કોઈ પણ હોલી મિલન કાર્યક્રમની ઉજવણીમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું છે.

દિલ્હીમાં, 31 માર્ચ સુધી તમામ પ્રાથમિક શાળાઓને બંધ રાખવાનો ત્યાંની સરકારે આદેશ આપ્યો છે.