અઘરા કોવિડ-19 નિયમો ઘડવા સામે એરલાઈન્સની ચેતવણી

ન્યૂયોર્કઃ દુનિયાની એરલાઈન કંપનીઓએ કોરોનાવાઈરસ મહામારીએ એમના ધંધા-ક્ષેત્રને ઘૂંટણિયે લાવી દીધા બાદ એમની પહેલી બેઠક યોજી છે. એમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય પર્યટન-વિમાનપ્રવાસ ડબલ કરતાંય વધી જશે. ઘરેલુ વિમાનપ્રવાસનું પ્રમાણ 93 ટકા સુધી પહોંચી જવાની ધારણા છે. દુનિયાની 290 એરલાઈન્સનું પ્રતિનિધિત્વ કરતી ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) સંસ્થાએ દુનિયાના દેશોની સરકારોને વિનંતી કરી છે કે તેઓ અણધાર્યા કોવિડ-19 નિયમો લાગુ ન કરે. નહીં તો એવિએશન ક્ષેત્રની રીકવરી પાછી ઠેલાઈ શકે છે અને આ ક્ષેત્રમાં ફરી મંદી ફરી વળી શકે છે.

IATAનું કહેવું છે કે પ્રવાસ નિયંત્રણો વિશે પર્યટકોમાં ગેરસમજ ઊભી થઈ છે અને એને કારણે રોગચાળાના સંકટમાંથી થઈ રહેલી રીકવરી ધીમી પડી જશે. જેટબ્લૂના પ્રમુખ જોએના જેરાટીએ કહ્યું કે, સરકારોએ કોવિડ-19ને લગતા એવા નિયમો ઘડવા જોઈએ કે જેને સમજવાનું એરલાઈન કંપનીઓ તથા પ્રવાસીઓ માટે સરળ બની રહે.