નવરાત્રિમાં માતાજીની પૂજા-સામગ્રીનું ધૂમ વેચાણ 

અમદાવાદઃ નવરાત્રિનો તહેવાર દ્વારે આવીને ઊભો છે. જી- હા, મિત્રો આ વર્ષે ગરબા, દાંડિયા અને ભક્તિનો તહેવાર નવરાત્રિ આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી ઘણી માન્યતાઓ અને પરંપરાઓ સાથેનો ખૂબ જ પવિત્ર તહેવાર છે. કેટલાક લોકો નવરાત્રિમાં કંઈક નવું શરૂ કરવું શુભ માને છે અને કેટલાક કંઈક નવું ખરીદે છે. તેથી એવી કેટલીક વસ્તુઓ છે જેને તમારા ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે ઘરે લાવવી જોઈએ. શક્તિની આરાધનાના દિવસો નવરાત્રિની શરૂઆત પૂર્વે પૂજા-સામગ્રીનું વેચાણ કરતાં બજાર શ્રદ્ધાળુઓથી ધમધમતા થયા છે.

માતાજી માટે વિવિધ સાઇઝ, કલરથી ભરપૂર કલાત્મક ચૂંદડીઓ, હાર, અગરબત્તી, ધૂપનું વેચાણ, મંડપો, લારીઓ, દુકાનોમાં લેવા ગ્રાહકો ઊમટી રહ્યા છે.

નવરાત્રિમાં પોતાના ઘરે, શેરી-મહોલ્લા, સોસાયટીઓમાં જુદી-જુદી સામગ્રીઓની જરૂર પડતી હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દરેક વિસ્તારોમાં ખુલ્લા મેદાનમાં ઊભા કરવામાં આવેલા સિઝનેબલ મંડપો, વેચાણ-કેન્દ્રોમાં તમામ સામગ્રી એક જ જગ્યાએથી મળી રહે છે. માટીના કલાત્મક ગરબાથી માંડીને પૂજાપાની તમામ સામગ્રી એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ જાય છે.

કોરોનાના કેસો સતત થઇ રહેલો ઘટાડો અને સરકારની ગાઇડલાઇનને કારણે શેરી-ગરબાની રોનક જોવા મળશે. પાર્ટી-પ્લોટ અને ક્લબોને સ્થાને આ વર્ષે શેરીઓ, મહોલ્લા, સોસાયટીઓના કોમન પ્લોટો શણગારવાનું શરૂ થઈ ગયું છે તો ચાલો, આપણે બધા નવરાત્રિનો તહેવાર રંગેચંગે ઊજવીએ.

(પ્રજ્ઞેશ વ્યાસ)