ભારત વિરુદ્ધ શ્રીલંકાની ભૂમિનો ઉપયોગ નહીં થવા દઈએઃ રાજપક્ષે

કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ મંગળવારે સ્પષ્ટ કહ્યું હતું કે તેમનો દેશ કોઈ પણ એવી કામગીરી માટે પોતાની જમીનનો ઉપયોગ નહીં થવા દે, જેનાથી ભારતની સુરક્ષા માટે જોખમ ઊભું થાય. તેમણે આ આશ્વાસન હર્ષવર્ધન શૃંગલાની સાથેની મુલાકાતમાં આપ્યું હતું. રાજપક્ષેએ ચીન અને કોલંબોના સંબંધોમાં વિસ્તારથી જણાવ્યું હતું અને તેમણે એ વિશે કોઈ પણ પ્રકારની શંકા નહીં કરવા માટે જણાવ્યું હતું. દ્વિપક્ષી સંબંધો પર ચર્ચા માટે વિદેશ સચિવ ચાર દિવસની યાત્રા પર શ્રીલંકા ગયા છે. તેમણે તેમના પ્રવાસના છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક રાષ્ટ્રપતિના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લઈને અમેરિકાથી પરત ફર્યાના એક દિવસ પછી થઈ હતી.

રાજપક્ષેએ ચીન સાથે શ્રીલંકાના સંબંધો વિશે પણ ચોખવટ કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે ભારતે એમાં આશંકા ન રાખવી જોઈએ. રાષ્ટ્રપતિએ બંને દેશોની વચ્ચે મજબૂત સંબંધોને ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં બંને દેશો વચ્ચે 1960 અને 70ના દાયકા દરમ્યાન હતા.

તેમણે ભારતીય રોકાણકારોએ મૂડીરોકાણ કરવા માટે આમંત્રિત કરતાં કહ્યું હતું કે પૂર્વમાં ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક સંબંધિત મુદ્દેનો ઉક્લ લાવવા માટે જેતે વિષયના પ્રધાનને જવાબદારી સોંપવામાં આવી છે, જેનાથી બંને દેશોને લાભ થશે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે બંને દેશોના માછીમારો સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દાઓ ઉકેલી શકાય છે, જેથી બંને પક્ષોમાં માછલી પકડવાવાળા સમાજોને લાભ થશે. રાજપક્ષેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.