શહીદ શાંતિરક્ષકો માટે સ્મારક દીવાલના પ્રસ્તાવને UNની મંજૂરી

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ શહીદ થયેલા શાંતિરક્ષકોના સન્માનમાં યુનાઇટેડ નેશન્સના મુખ્ય મથકમાં એક સ્મારક દીવાલ સ્થાપિત કરવા માટે ભારતના દ્વારા લાવવામાં આવેલા ઠરાવ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મેમોરિયલ વોલ ફોર ફોલન યુનાઇટેડ નેશન્સ પીસકીપર્સ નામના ઠરાવ પ્રસ્તાવને રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના હાલ આશરે 190 સભ્ય દેશો દ્વારા સહ-પ્રયોજિત આ પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કર્યો હતો.

આ પ્રસ્તાવ રજૂ કરતી વખતે કમ્બોજે કહ્યું હતું કે સ્મારક દીવાલ એ વાતનું પ્રમાણ હશે કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ ઝુંબેશને કેટલું મહત્ત્વ આપે છે. તેમણે કહ્યું હતું કે એ સ્મારક દીવાલ લોકોને ના માત્ર શહીદોના બલિદાનની યાદ અપાવશે, બલકે અમારા નિર્ણય માટે ચૂકવવામાં આવેલી વાસ્તવિક કિંમતને પણ સતત યાદ અપાવશે. આ ઠરાવ પ્રસ્તાવને બંગલાદેશ, કેનેડા, ચીન, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાંસ, ભારત ઇન્ડોનેશિયા, જોર્ડન, નેપાલ, રવાન્ડા અને અમેરિકા સહિત 18 દેશો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ શાંતિરક્ષકો માટે નવી સ્મારક દીવાલ સ્થાપિત કરવાના ભારતના ઠરાવ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સ્વીકાર કરવામાં આવતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ પ્રસ્તાવને ટેકો રનારા બધા દેશોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાને આ ખુશી ટ્વીટ કરીને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ટેકા બદલ આભાર.