અબુ ધાબીઃ ખાડી ક્ષેત્રના બે મોટા અને પ્રભાવશાળી મુસ્લિમ દેશો સતત તેમના કાયદાઓમાં ફેરફાર કરી રહ્યા છે અને બિનમુસ્લિમો માટે દેશને સાનુકૂળ બનાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સાઉદી અરેબિયામાં કટ્ટરપંથી વિચારધારા કેટલીય વાર ભંગ થઈ ચૂકી છે. હવે સંયુક્ત આરબ અમિરાતે વિવાહ પર કાયદા બનાવ્યા છે. જે મુજબ બિનમુસ્લિમોને અબુ ધાબીમાં નાગરિક કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા અને બાળકોની કસ્ટડી પ્રાપ્ત કરવાની છૂટ મળશે. અબુ ધાબીમાં રહેતા બિનમુસ્લિમો પોતાની રીતે લગ્ન કરી શકશે અને બાળકોની કસ્ટડી પ્રાપ્ત કરી શકશે અને એમાં દેશમાં લાગુ શરિયા કાનૂનની કોઈ દખલ નહીં હોય. લગ્નને લઈને કાયદામાં ફેરફારનો આ નિર્ણય દેશના ઉદારવાદી, વાણિજિયિક બનાવવાની દિશામાં લેવાયેલું પગલું છે.
સરકારનો આ કાયદો બનાવવાનો મુખ્ય હેતુ દેશમાં પ્રતિભા અને કુશળતાનો વિકાસ કરવાની સાથે-સાથે દેશનાં પ્રસિદ્ધ આકર્ષક સ્થળો તરીકે વિકસિત કરવાનો અને UAEને વૈશ્વિક ફલક પર હરીફાઈ માટે તૈયાર કરવાનો છે.
આ સાથે આ નવા કાયદાને બિનમુસ્લિમોના વિવાહ સહિત તેમના પરિવારના મામલાઓ માટે આંતરરાષ્ટ્રીય સર્વોત્તમ પ્રથાઓ અનુરૂપ જણાવવામાં આવ્યા છે.
અબુ ધાબીના શેખ ખલિફા બિન જાયદ અલ-નાહયાન કે જેઓ સાત અમિરાતના UAE મહાસંઘના અધ્યક્ષ પણ છે, તેમણે કહ્યું હતું કે નવા કાયદામાં નાગરિક વિવાહ, તલાક, ભરણપોષણ ભથ્થું, બાળકોની કસ્ટડી અને પિતૃત્વનું પ્રમાણ અને વિરાસત સામેલ છે.UAEએ ગયા વર્ષે કેન્દ્રીય સ્તરે કેટલાય કાનૂની ફેરફાર કર્યા છે, જેમાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ બનાવવાને અપરાધમુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે ઓનર કિલિંગ માટે નરમીથી નિપટવાના કાનૂનને ખતમ કરવામાં આવ્યા છે અને આકરી સજાની જોગવાઈ કરવામાં આવી હતી.