વુહાનમાં કોરોનાનો પર્દાફાશ કરનાર ચીની-પત્રકાર પુરસ્કાર માટે નામાંકિત

નવી દિલ્હીઃ વુહાનમાં કોરોના વાઇરસના પ્રસારને વિશ્વ સામે લાવવાવાળી ચીની પત્રકાર ઝાંગ ઝાનને રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકારને ઝાનને જેલમાં નાખી દીધી હતી. ઝાનને તેની સાહસિક પત્રકારત્વ માટે નામાંકિત કરવામાં આવી છે. ઝાને વુહાનમાં કોરોના સંક્રમણને બહાર લાવવાના પ્રારંભના દિવસોમાં એનું રિપોર્ટિંગ કર્યું હતું. વકીલમાંથી પત્રકાર બનેલી ઝાનને ગયા વર્ષે મેમાં ઝઘડા અને વૈમનસ્ય પેદા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં તેને દોષી ઠેરવવામાં આવી હતી અને જેલમાં પૂરવામાં આવી હતી. ઝાંગને ચાર વર્ષની જેલની સજા થઈ હતી. મે, 2020માં પ્રારંભિક અટકાયત પછી તે નજરબંદ હતી અને ભૂખ હડતાળ પર હતી.

ગયા સપ્તાહે તેના પરિવારે કહ્યું હતું કે 38 વર્ષીય ઝાનની હાલત દયનીય છે અને તે મોતને દ્વારે પહોંચી ગઈ છે. તેને મુક્ત કરવા માટે વિશ્વભરમાંથી અવાજો ઊઠી રહ્યા હતા. સોમવારે પોતાના નામાંકનમાં RSFએ કહ્યું હતું કે વુહાના રસ્તા અને હોસ્પિટલોથી કોરોના સંક્રમિતોના લાઇવ સ્ટ્રિમિંગ અને વિડિયો દેખાડતાં ઝાન સરકાર માટે ખતરો બની ગઈ હતી.

ગયા સપ્તાહે ઝાનના ભાઈએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તે ઘણી નબળી પડી ગઈ છે અને કદાચ વધુ દિવસો સુધી જીવિત ના રહે. તે પાંચ ફૂટ 10 ઇંચ લાંબી છે અને તેનું વજન માત્ર 40 કિલોગ્રામ છે.

RSF ઇસ્ટ એશિયા બ્યુરો હેડ સેડ્રિક અલવિયાનીએ ઝાનને ચીનમાં પત્રકારત્વનું પ્રતીક બતાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ચીનના વહીવટી તંત્રએ ક્યારેય તેને માપવી જોઈએ. તેને એક વીરાંગનાની જેમ સન્માનિત કરવામાં આવવી જોઈએ, કેમ કે તેણે જિંદગી દાવ પર લગાવીને વુહાન ગઈ હતી.