નવી દિલ્હીઃ અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિપદના શપથ લેનારા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારતને ટેરિફની ધમકી આપી છે. ભારત અમેરિકી ઉત્પાદનો પર જેટલો ટેક્સ લગાડશે, એટલો અમે પણ ભારતીય પ્રોડક્ટ્સ પર લગાવીશું. તેમણે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી છે.
તેમણે કહ્યું હતું કે જો તેઓ ઊંચો ટેરિફ લગાડશે, તો અમે પણ તેમના પર સમાન દરે ટેક્સ લગાડીશું. તેઓ અમારી પર લગભગ બધા મામલે ટેક્સ લગાડે છે, પણ અમે તેમના પર ટેક્સ નથી લગાડતા. જો ભારત અમારા પર 100 ટકા ટેક્સ લગાડે છે તો શું અમે તેમના પર કોઈ પણ ટેક્સ ના લગાડીએ? ભારત અને બ્રાઝિલ એ દેશોમાંથી છે, જે અમેરિકી પ્રોડક્ટ્સ પર ઊંચો ટેક્સ લગાડે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા “હાઈ ટેરિફ”ના જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના તેમના ઇરાદાઓનું પુનરાવર્તન કરીને ભારતને સીધી ધમકી આપી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મિડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે ભારત અમારા પર બેફામ ટેક્સ લગાવે છે અને લગભગ દરેક મામલે ટેક્સ વસૂલે છે અને અમે તેમને માફ કરી દઈએ છીએ, જે હવે નહીં ચાલે. ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર અંગેના પ્રશ્નનો ઉત્તર આપતાં આ ટિપ્પણી કરી હતી. હવે ભારત અને અમેરિકા વચ્ચે પણ ટેરિફ વોર ભડકવાની શક્યતા છે.