વોશિંગ્ટનઃ અમેરિકામાં આફ્રિકન-અમેરિકન અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના મોત બાદ સતત વિરોધ-દેખાવોનો જુવાળ ફાટી નીકળ્યો છે. વિશ્વભરમાં લોકો આ દેખાવોને સમર્થન આપી રહ્યા છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પે પણ ફ્લોઈડના મોતના મામલે દેશમાં દેખાવો કરી રહેલા લોકોનું સમર્થન કર્યું છે. ટિફનીએ ઈન્સ્ટાગ્રામ પર ગુસ્સો વ્યક્ત કરતા એક બ્લેક સ્ક્રીન પોસ્ટ કરી છે. સાથે એણે #BlackoutTuesday #justiceforgeorgefloyd હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના બીજા પત્ની અને ટિફનીના માતા માર્લા મૈપલ્સે પણ દેખાવકારોનું સમર્થન કરતા બ્લેક સ્ક્રીનનો ફોટો પોસ્ટ કર્યો છે.
જ્યોર્જ ફ્લોઈડના મોત માટે જેટલા પોલીસ જવાન આરોપી છે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમાં પહેલા જ એક પોલીસ જવાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે હવે અન્ય પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડની હત્યાને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ જ વિરોધ પ્રદર્શનોને ધ્યાને રાખતા વોશિંગ્ટનમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ટ્રમ્પે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, સૈનિકોએ વિરોધ પ્રદર્શનોને કચડી નાંખવાનો રસ્તો બતાવ્યો છે. ટ્રમ્પના આ નિવેદનની ખૂબ ટીકાઓ થઈ રહી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત વ્યક્તિના મોત પર વધતી અશાંતિને ખતમ કરવા માટે હવે સેનાને તહેનાત કરવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, પ્રદર્શનકારીઓને રોકવા અને પોતાના નિવાસીઓને બચાવવામાં જો શહેર અને રાજ્ય નિષ્ફળ જાય તો મુશ્કેલીઓને ખતમ કરવા માટે સેના મોકલવામાં આવશે.