કેલિફોર્નિયાઃ દક્ષિણ કેલિફોર્નિયામાં એમટ્રેક ટ્રેન પાટા પરથી ખડી પડતાં 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. આ ટ્રેનનો અકસ્માત એક ટ્રક અથડાવાથી થયો હતો. આ અકસ્માત થવાને કારણે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી. આ ટ્રકચાલકને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા થવાથી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, એમ વેન્ચુરા કાઉન્ટી ફાયર વિભાગે જણાવ્યું હતું.
વિભાગે જણાવ્યું હતું કે અન્ય 14 લોકોને પણ સામાન્ય ઇજાને પગલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. વિભાગે જણાવ્યું હતું કે કોસ્ટ સ્ટારલાઇટ ટ્રેનના અન્ય પેસેન્જરો સુરક્ષિત હતા, જેમને કોઈ ઇજા નહોતી થઈ.
આ 14 ક્રમાંકની ટ્રેન લોસ એન્જલસથી સિયેટલ સવારે 11 કલાકની આસપાસ જતી હતી, ત્યારે આ ટ્રેન કેલિફોર્નિયાના મુરપાર્કમાં ટ્રેક પર ટ્રક અથડાવાને કારણે પાટા પરથી ખડી પડી હતી. આ દુર્ઘટનામાં સારી વાત એ હતી કે ટ્રેન ખડી પડ્યા પછી સીધી ઊભી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં આશરે 200 પેસેન્જરો હતા. વેન્ચુરા કાઉન્ટી અગ્નિશમન વિભાગના કેપ્ટન બ્રાયન કહ્યું હતું કે મૂરપાર્ક ટક્કર પછી પછી ટ્રેનની સાત કારોમાંથી ત્રણ પાટા પરથી ઊતરી ગઈ હતી. ટ્રકચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
એમટ્રેક કહ્યું હતું કે આ ટ્રેનમાં આશરે 198 યાત્રી અને ચાલક દળના 13 સભ્યો હતા, જેમને ટ્રેનમાંથી બહાર કઢાયા હતા. ફાયરબ્રિગ્રેડ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ફાયરબ્રિગ્રેડ ઇમર્જન્સી ડોક્ટરોની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કંપનીએ કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓની સાથે સમન્વય ઘટનાની તપાસ કરવામાં આવશે.