ફ્રાન્સમાં રસ્તાઓ પર ‘યુદ્ધ જેવી સ્થિતિ’: ઘરો-કારોને આગ લગાડાઈ

પેરિસઃ ફ્રાંસના પાટનગર પેરિસના ઉપનગર નૈંટરમાં થયેલા પોલીસ ફાયરિંગમાં એક સગીર યુવકના માર્યા ગયા પછી દેશમાં હિંસા ભડકી ગઈ છે. સતત ત્રીજા દિવસે જારી હિંસામાં સેંકડો ઘરો પર પથ્થરમારો થયો છે અથવા એમાં આગ લગાડી દેવામાં આવી છે. આ સિવાય અનેક કારો, બસો અને અન્ય વાહનોને સળગાવીને ખાખ કરી દેવામાં આવ્યાં છે. હિંસાને નિયંત્રિત કરવામાં 150થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે 421 દેખાવકારોની ધરપકડ કરી છે. તોફાનો પર કાબૂ મેળવવા માટે રસ્તા પર હજારો સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે.

ફ્રાંસ પોલીસે એક 17 વર્ષના યુવકને ટ્રાફિક પોલીસે અટકાવ્યો હતો, પણ તે અટક્યો નહોતો. જેથી પોલીસે તેને ગોળી મારી દીધી હતી. ગોળી મારવાવાળા પોલીસ અધિકારી પર હત્યા કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોએ કહ્યું હતું કે આ શૂટઆઉટ અક્ષમ્ય છે. એક યુવકના મોતને તમે યોગ્ય ના ગણાવી શકો. 

આ યુવકની ગોળી મારીને હત્યા કરનાર પોલીસ અધિકારીએ પીડિત પરિવાર પાસે માફી માગી લીધી હતી. જોકે આ ઘટનાના ફુટેજ સોશિયલ મિડિયા પર વાઇરલ થયા પછી હિંસા દેશઆખામાં ફેલાઈ ગઈ હતી. ગૃહપ્રધાન ગેરાલ્ડ ડર્મે નિને કહ્યું હતું કે હિંસા દરમ્યાન ટાઉન હોલ, સ્કૂલો અને પોલીસ સ્ટેશનોમાં આગ લગાડવામાં આવી હતી.

નૈંટરે શહેરમાં દેખાવકારોએ 50 કારો અને એક બેન્કના બિલ્ડિંગમાં આગ લગાડી દીધી હતી. પોલીસ પર ગોળાઓ ફેંક્યા હતા. અનેક શહેરોમાં દેખાવો દરમ્યાન દુકાનો લૂંટફાટ થઈ હતી. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ સ્ટેશન, સ્કૂલ અને બસોને આંગ ચાંપવાના બનાવ બન્યા હતા.