ટ્વિટર પર પોસ્ટ વાંચવા માટે મર્યાદા નિશ્ચિત; યૂઝર્સ થયાં નારાજ

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાની સોશિયલ મિડિયા કંપની ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે એમની આ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પર સમાચાર/પોસ્ટ વાંચવા માટે લિમિટ નક્કી કરી દીધી છે. વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે પ્રતિદિન 6,000 પોસ્ટ વાંચવાની મર્યાદા નક્કી કરી દીધી છે. અનવેરિફાઈડ એકાઉન્ટ્સ માટે પ્રતિ દિન 600 અને નવા વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે પ્રતિદિન 300 પોસ્ટની મર્યાદા છે. મસ્કના આ નિર્ણયને કારણે દુનિયાભરનાં ટ્વિટર યૂઝર્સ નારાજ થયાં છે.

 

ઘણાં યૂઝર્સે હૈયાવરાળ કાઢી છે કે ટ્વિટર પર હવે પહેલાં જેવી મજા રહી નથી. ‘ફ્રી ફ્લો’ અનુભવ જતો રહ્યો છે. એટલે વિચારોનો સ્વતંત્ર પ્રવાહ પણ અટકી ગયો છે. ટ્વિટર પર સમાચાર કે પોસ્ટ વાંચવા માટે લિમિટ નક્કી થઈ જવાથી હવે તે છાપું જેવું બની જશે. અમુક સમયે જ વાંચવા મળશે. યૂઝર્સે સમજીને, ગણતરી કરતા રહીને ટ્વિટર પર સમાચાર વાંચતા રહેવા પડશે, નહીં તો, જો સવાર-સવારમાં જ એ લિમિટ પૂરી થઈ જશે તો આખો દિવસ ટ્વિટરનો ઉપયોગ કરી શકાશે નહીં.

મસ્કે ટ્વિટરના માધ્યમથી જ એમના આ નિર્ણય વિશે એવી સ્પષ્ટતા કરી છે કે ટ્વિટર પર વધારે પડતા ડેટા સ્ક્રેપિંગ (એટલે કે કોઈ વેબસાઈટથી જાણકારી કાઢીને (કોપી કરીને) એને સ્પ્રેડશીટ પર રાખવું) તેમજ સિસ્ટમ મેનિપ્યુલેશનનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ લિમિટનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મસ્કે એમ પણ લખ્યું છે કે એમનું આ પગલું કામચલાઉ છે. જેમનો ટ્વિટર પર એકાઉન્ટ નહીં હોય તેઓ આ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં.