અલીબાબાના જેક માએ પાકિસ્તાનની અચાનક મુલાકાત લેતાં અચરજ

બીજિંગઃ ચીનના દિગ્ગજ બિઝનેસમેન અને અલીબાબાના સહસંસ્થાપક જેક માએ છાનામાના અચાનક પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, તેમની આ મુલાકાતની માહિતી પાકિસ્તાનમાં ચીની એમ્બેસીને પણ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ લાહોરમાં 29 જૂને પહોંચ્યા હતા અને અહીં આશરે 23 કલાક રોકાયા હતા. આ પ્રવાસમાં તેમણે સરકારી અધિકારીઓ અને મિડિયાથી વાતચીત નહોતી કરી. તેમની આ મુલાકાત અંગત હતી.

તેઓ એક ખાનગી સ્થાને ગયા હતા અને એક પ્રાઇવેટ જેટ દ્વારા ચાલ્યા ગયા હતા. એ પ્રાઇવેટ જેટ જેટ એવિયેશનના VP-CMAનું હતું. જેક મા સાત વેપારીઓના જૂથ સાથે પાકિસ્તાનમાં ગયા હતા, જેમાં ચીનના પાંચ, ડેન્માર્કના એક અને અમેરિકાનો એક નાગરિક હતો. આ બધા હોંગકોંગના બિઝનેસ એવિયેશન સેક્ટરથી ચાર્ટર્ડ ફ્લાઇટથી નેપાળના રસ્તે પાકિસ્તાન પહોંચ્યા હતા. જેક માએ કયા ઉદ્દેશથી પાકિસ્તાનની મુલાકાતની મુલાકાત લીધી હતી, એનો ખુલાસો અત્યાર સુધી નથી થઈ શક્યો. જોકે એ ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે કે આવનારા દિવસોમાં પાકિસ્તાનમાં એની સકારાત્મક અસર જોવા મળી શકે છે.

સોશિયલ મિડિયામાં આને લઈને હવે ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે કે વેપારીઓનું  ગ્રુપ પાકિસ્તાનમાં વેપારની સંભાવનાઓ ચકાસી રહ્યું છે.અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે વેપારી કેન્દ્રોની મુલાકાત લીધી હશે. આ સિવાય દિગ્ગજ વેપારીઓએ અને ચેમ્બર્સ ઓફ કોમર્સના અધિકારીઓની સાથે મુલાકાત કરી હોવાની શક્યતા છે. જોકે કોઈ પણ વેપારી સોદા અને બેઠકને લઈને હજી પણ સત્તાવાર તરીકે કંઈ કહેવામાં નથી આવ્યું. અહસાને એક ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે જેક માની આ પાકિસ્તાનની મુલાકાત સંપૂર્ણ રીતે વ્યક્તિગત હતી.