સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને આગ ચાંપવાનો ખાલિસ્તાનીઓનો પ્રયાસ

સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના આ શહેરમાં આવેલી ભારતીય કોન્સ્યૂલેટ પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. કહેવાય છે કે ગયા રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ મકાનમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભાંગફોડના આ કૃત્યને અમેરિકાના વિદેશ મંત્રાલયે કડક રીતે વખોડી કાઢ્યું છે.

‘દિયા ટીવી’ નામની એક સ્થાનિક મિડિયા ચેનલના અહેવાલ મુજબ, ગઈ બીજી જુલાઈના રવિવારે વહેલી સવારે લગભગ અઢી વાગ્યાના સુમારે સેન ફ્રાન્સિસ્કોમાં આવેલી ભારતીય દૂતાવાસમાં આગ લગાડવામાં આવી હતી. તે હુમલો કથિતપણે ખાલિસ્તાની સમર્થકોએ કર્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં આ દૂતાવાસ પર ખાલિસ્તાનીઓએ કરેલો આ બીજો હુમલો છે. દિયા ટીવી ચેનલે તેના અહેવાલ સાથે એક વિડિયો પ્રસારિત કર્યો હતો જેમાં ભારતીય દૂતાવાસના મકાનની અંદર આગની જ્વાળાઓ ભભૂકતી જોઈ શકાય છે. જોકે આ વિડિયો ક્લિપને હજી સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી, પરંતુ વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારી મેથ્યૂ મિલરે ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે, સેન ફ્રાન્સિસ્કોમાંની ભારતીય દૂતાવાસમાં ભાંગફોડ અને આગ ચાંપવાના કથિત પ્રયાસને અમેરિકા કડક રીતે વખોડી કાઢે છે. અમેરિકામાં રાજદ્વારી કાર્યાલયોમાં ભાંગફોડ કે વિદેશી રાજદૂતો પર હિંસા કરવાને ક્રિમિનલ અપરાધ ગણવામાં આવે છે.