2023ના ‘મહાન વસાહતીઓ’ની યાદીમાં વર્લ્ડ બેન્ક પ્રમુખ અજય બંગાનો સમાવેશ

ન્યૂયોર્કઃ દુનિયાની પ્રતિષ્ઠિત પરોપકારી સંસ્થાએ ‘મહાન પરદેશી વસાહતીઓ’ની તેની વાર્ષિક (વર્ષ 2023ની) યાદીમાં વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગાનું નામ પણ સામેલ કર્યું છે. ન્યૂયોર્કની કાર્નેગી કોર્પોરેશન સંસ્થાનું કહેવું છે કે આ માનવંતા ઈમિગ્રન્ટ્સે એમનાં કાર્યો અને યોગદાનો દ્વારા અમેરિકા અને તેના લોકતાંત્રિક ઢાંચાને સમૃદ્ધ બનાવ્યું છે અને વધારે મજબૂત બનાવ્યું છે.

અજય બંગાએ આ વર્ષના જૂન મહિનાથી વિશ્વ બેન્કના નવા પ્રમુખ તરીકેનું પદ સંભાળી લીધું છે. તેઓ વર્લ્ડ બેન્કનું નેતૃત્ત્વ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે. તેઓ ફાઈનાન્સિયલ ક્ષેત્રમાં 30 વર્ષથી પણ વધુ સમયનો અનુભવ ધરાવે છે. તેઓ વર્લ્ડ બેન્કની નીતિઓમાં આમૂલ પરિવર્તન લાવવા માગે છે. તેઓ ખાસ કરીને દુનિયાના દેશોમાં પ્રવર્તતી ગરીબીની સમસ્યાનો મુકાબલો કરવા, પર્યાવરણ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા અને લોકો માટે દુનિયાભરમાં રોજગારની તકો ખુલ્લી મૂકાવવા પર વિશેષ ધ્યાન આપવા માગે છે.