પાકિસ્તાનમાં લગ્ન મુદ્દે ઝઘડો થતાં સગાંઓએ પરિવારનાં 9 સભ્યોને ઠાર કરી દીધાં

પેશાવરઃ પાકિસ્તાનના વાયવ્ય ભાગમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં લગ્નના મુદ્દે ઝઘડો થતાં સગાંઓએ એક જ પરિવારનાં 9 સભ્યોને ઠાર મારી દીધાનો ચોંકાવનારો બનાવ બન્યો છે.

આ બનાવ મલકંદ જિલ્લાના બતખેલા ગામમાં બન્યો છે. પરિવારનાં 9 સભ્યો રાતે એમના ઘરમાં સૂતાં હતાં ત્યારે સગાં ત્યાં ત્રાટક્યા હતા અને બેફામપણે ગોળીબાર કરીને એમને ઠાર કર્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલા અને છ પુરુષોનો સમાવેશ થાય છે.

પોલીસે કહ્યું છે કે આ કરપીણ હત્યાકાંડ માટે લગ્નના મુદ્દે થયેલો એક ઝઘડો કારણભૂત છે. કેસમાં તપાસ ચલાવવામાં આવી રહી છે. હત્યારાઓને પકડવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાંતના રખેવાળ મુખ્ય પ્રધાન મુહમ્મદ આઝમ ખાને હત્યારાઓને વહેલી તકે પકડવાનો પોલીસ તંત્રને આદેશ આપ્યો છે.