UK દ્વારા ત્રણ ઓક્સિજન જનરેટર, 1000-વેન્ટિલેટરની મદદ

લંડનઃ ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના રોગચાળા પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પૂરી તાકાતથી કાર્ય કરી રહી છે. વિશ્વના અન્ય દેશો ભારતને સહાય કરી રહ્યા છે. આ રોગચાળા સામે લડાઈમાં વિશ્વના કેટલાય દેશો ભારતની વહારે આવ્યા છે. આ મદદની શૃંખલામાં ઉત્તરીય આયર્લેન્ડના બેલફાસ્ટથી ત્રણ 18 ટનના ઓક્સિજન જનરેટર અને 1000 વેન્ટિલેટર લઈને વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાન ભારત આવી રહ્યું છે.

ભારતની મદદ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર્સ મોકલવાની માહિતી બ્રિટિશ સરકારે આપી છે. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ કહ્યું હતું કે એન્ટોનોવ 124 વિમાનમાં જીવનરક્ષક કિટને લોડ કરવા માટે એરપોર્ટના કર્મચારીઓ રાતભર કામ કર્યું છે. FCDOએ આ સપ્લાય માટે નાણાંની વ્યવસ્થા કરી છે.
આ વિમાન રવિવારે સવારે આઠ કલાકે દિલ્હી પહોંચવાની આશા છે. એ પછી ઇન્ડિયન રેડ ક્રોસની સહાયતાથી આ સપ્લાય હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. ત્રણ ઓક્સિજન જનરેટરમાં દરેક જનરેટર પ્રતિ મિનિટ 500 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જે એકસાથે 50 લોકોના ઉપયોગ કરવા માટે પર્યાપ્ત છે. આ માહિતી FCDOએ આપી હતી.

ગયા મહિને યુકેએ 200 વેન્ટિલેટર અને 495 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલ્યા હતા, જેના માટે નાણાંની વ્યવસ્થા પણ FDCOએ કરી હતી. વિદેશ સચિવ ડોમિનિકે કહ્યું હતું કે આપણે વૈશ્વિક રોગચાળા સામે એકસાથે લડાઈ કરીશું.અમે મહત્ત્વનાં ઉપકરણોના રૂપમાં વેન્ટિલેટર અને ઓક્સિજનરેટર પ્રદાન કરી રહ્યા છીએ એ જીવન બચાવવામાં મદદ કરશે અને ભારતના આરોગ્ય ક્ષેત્રે સપોર્ટ કરશે.