કોવિડ19ના પડકારોથી ઘેરાયેલો ભારતમાં કમલા હેરિસનો પરિવાર

વોશિંગ્ટનઃ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસના મામા જી. બાલાચંદ્રન આ વર્ષે 80 વર્ષના થયા છે અને જો કોરોના રોગચાળો આટલો ફેલાયો ન હોત તો તેઓ પરિવારના સભ્યો સાથે તેમના જન્મદિવસની પાર્ટી ઊજવતા હોત, પરંતુ ભારતમાં કોરોના સંક્રમણના પ્રકોપને જોતાં બાલાચંદ્રનને આ વર્ષે માત્ર ફોન પર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. આમાંથી એક મેસેજ તેમની ભાણેજ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસનો પણ હતો. તેમણે નવી દિલ્હીમાં પોતાના ઘરેથૂ ઝૂમ પર કહ્યું હતું કે કોવિડને કારણે હું આ વખતે મારા જન્મદિવસે મોટો કાર્યક્રમ નથી કરી શક્યો.

હેરિસના મામાએ કહ્યું હતું કે તેમણે હેરિસ અને તેમના પતિ ડોગ એમહોફ સાથે કેટલોક સમય પહેલાં વાત કરી હતી. હેરિસે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમની પુત્રી-તેમના મામાની પુત્રી- જે વોશિંગ્ટનમાં રહે છે, તે તેમની સંભાળ લેશે.

તેમણે બાલાચંદ્રનને કહ્યું હતું કે ચિંતા નહીં કરો, મામા. હું તમારી પુત્રીનું ધ્યાન રાખીશ, હું થોડા-થોડા સમયે તેની સાથે વાત કરતી રહીશ. બાલાચંદ્રન અને હેરિસની વચ્ચે છેલ્લી વાર આ વાત થઈ હતી. એ પછી ભારતમાં કોરોના રોગચાળો અનિયંત્રિત થયો હતો.