ચીનનું બેકાબૂ રોકેટ હિંદ-મહાસાગરમાં ખાબક્યું; NASA ગુસ્સામાં

વોશિંગ્ટનઃ આકાશમાં અનિયંત્રિત થઈ ગયેલા ચીનના રોકેટ ‘લોન્ગ માર્ચ 5B’નો કાટમાળ ગઈ કાલે હિંદ મહાસાગરમાં પડ્યો હતો. ચીનનું આ સૌથી મોટું સ્પેસ રોકેટ હતું અને તેનો કાટમાળ હિંદ મહાસાગરમાં માલદીવના દ્વીપસમૂહ નજીક દરિયામાં ખાબક્યો હતો. ચીને ‘લોન્ગ માર્ચ 5B’ રોકેટની આ બીજી આવૃત્તિને અવકાશમાં છોડી હતી. પહેલી આવૃત્તિનું રોકેટ પણ બેકાબૂ બની ગયું હતું અને 2020માં એના ટૂકડા આઈવરી કોસ્ટમાં પડ્યા હતા, જેને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું હતું. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી.

આ ઘટનાને પગલે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ કહ્યું છે કે અવકાશ સંશોધન ક્ષેત્રે ઘડવામાં આવેલા જાગતિક ધારાધોરણોનું પાલન કરવામાં ચીન નિષ્ફળ ગયું છે. એક સત્તાવાર નિવેદનમાં NASAના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું છે કે અવકાશ સંશોધન ક્ષેત્રે સક્રિય દેશોએ ધ્યાન રાખવું જ જોઈએ કે એમના અવકાશયાન કે અવકાશમાં મોકલેલી કે મૂકેલી સામગ્રીઓ ફરી પૃથ્વીમાં પ્રવેશ કરે તો પૃથ્વી પર વસતાં લોકો અને પૃથ્વી પરની સંપત્તિ પર એનું અત્યંત ઓછું જોખમ રહે. આ કામગીરીઓમાં દરેક દેશે મહત્તમ પારદર્શિતા રાખવી જ જોઈએ. NASA સંસ્થાના આરોપ બાદ ચીન ભડકી ગયું છે. તેણે કહ્યું છે કે એણે તેના નકામા બની ગયેલા રોકેટના અવશેષોને તે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું એ પહેલાં જ અવકાશમાં જ એને બાળી નાખ્યા હતા.