સ્કોટલેન્ડમાં પેસેન્જર ટ્રેન ખડી પડતાં ત્રણનાં મોત, છ ઘાયલ

લંડનઃ સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં એક પેસેન્જર ટ્રેન ખડી પડતાં ડ્રાઇવર સહિત કમસે કમ ત્રણ જણના મોત થયાં છે અને બીજા છ જણ ઘાયલ થયા છે. એબર્ડીનથી ગ્લાસગો ક્વીન સ્ટ્રીટ જતી સ્કોટરેલ બુધવારે સવારે 6.38 કલાકે પાટા પરથી ખડી પડી હતી, એમ અહેવાલ કહે છે.

ભૂસ્ખલનને કારણે ટ્રેન પાટા પરથી ઊતરી

સ્કોટરેલના જણાવ્યાનુસાર ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી. આ દુર્ઘટનાને મોટી ગણાવ્યા પછી ઘટનાસ્થળે 30 ઇમર્જન્સી સર્વિસ વાહનો પહોંચ્યાં હતાં. આ ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા છ જણને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે એમની ઈજા મામુલી પ્રકારની છે.

ક્વીને સંવેદનાઓ વ્યક્ત કરી

આ દુર્ઘટના પછી ક્વીને સંવેદનાઓ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ એ બહુ દુઃખદ ઘટના છે. સ્કોટલેન્ડની અર્ધ-સ્વાયત્ત સરકારના પહેલા પ્રધાન નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે આ દુખદ ઘટનામાં મૃતકો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ છે.

આવા અકસ્માત રેલવેમાં ભાગ્યે જ

બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પેરામેડિક્સના ઉમદા પ્રયાસો છતાં ત્રણ લોકોનાં મોત થયાં છે. આમાં ટ્રેનના ડ્રાઇવરનું પણ મોત થયું છે. વડા પ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે આ દુર્ઘટના આઘાતજનક છે, કેમ કે આવા અકસ્માત રેલવેમાં ભાગ્યે જ થાય છે.

સ્ટોનહેવન અને એની આસપાસના ક્ષેત્ર હાલના દિવસોમાં પૂરગ્રસ્ત છે અને કેટલાક મિડિયા અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી.