રશિયા-યુક્રેન યુદ્ધમાં ત્રણ દેશો મધ્યસ્થી કરી શકેઃ પુતિન

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ જારી છે. બંને તરફથી થયેલા હુમલામાં અનેક લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને અનેક જણ ઘાયલ થયા છે. જોકે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે રશિયાની સંભવિત વાર્તામાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થ ભૂમિકા ભજવી શકે છે.

પુતિને ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં કહ્યું છે કે અમારો મુખ્ય ઉદ્દેશ યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં કબજો લેવાનો હતો. રશિયાની સેના કુર્સ્કથી યુક્રેની સેનાને પાછળ ખદેડી રહી છે. વડા પ્રધાન મોદીએ હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેનની અને એના પહેલાં રશિયાની મુલાકાત લીધી હતી. PM મોદીની એ મુલાકાત ઘણી મહત્ત્વની હતી અને વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય છે.

એ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે યુક્રેનને સમય બગાડ્યા વિના શાંતિની વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ઉકેલનો માર્ગ ચર્ચા અને કૂટનીતિથી જ આવે છે. આ દિશામાં આગળ વધવું જોઈએ. ઝેલેન્સકીને આ કહેતાં પહેલાં PM મોદીએ પણ તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદની ખાતરી આપી હતી.

આમે ભારત સતત રશિયા અને યુક્રેન યુદ્ધને રોકવા માટે શાંતિની અપીલ કરી રહ્યું હતું. ભારત આ મામલે શાંતિના પક્ષમાં હતું. PM મોદીએ બંને દેશોની વચ્ચે સક્રિય ભૂમિકા નિભાવવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

પુતિને કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ઇસ્તંબૂલમાં પ્રારંભિક સમજૂતી થઈ હતી, જે ક્યારેય લાગુ ના થઈ શકી. તેમણે વધુમાં કહ્યું હતું કે યુક્રેની સેનાની ઘૂસણખોરીનો ઉદ્દેશ ડોનબાસમાં રશિયાને આગળ વધતા અટકાવવાનો હતો, એ પણ તેઓ સફળ ના થઈ શક્યા.

રશિયા-યુક્રેન યુદ્ધ?

ફેબ્રુઆરી, 2022થી રશિયા-યુક્રેન જારી છે. આ યુદ્ધને કારણે બંને બાજુ ભારે જાનમાલનું નુકસાન થયું છે.