અમેરિકાના રિપોર્ટમાં માનવાધિકાર માટે જમ્મુ-કાશ્મીરની પ્રશંસા કરાઈ

ચેન્નઈઃ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોની સ્થિતિમાં સુધારો કરવા અને પૂર્વનાં રાજ્યોમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા પગલાં લીધાં છે, એમ અમેરિકાએ એના હ્યુમન રાઇટ્સ પ્રેક્ટિસિસના રિપોર્ટમાં ભારતની પ્રશંસા કરતાં કહ્યું છે. આ રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને માઓવાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં આતંકવાદી દ્વારા સુરક્ષા કર્મચારીઓ, નાગરિકોની હત્યાઓ અને અલગાવવાદીઓ દ્વારા બાળ સૈનિકોની ભરતી અને ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  

ભારત એક બહુપક્ષી, સંસદીય લોકશાહી ધરાવતો દેશ છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ આંશિક સેવાઓ પુનર્સ્થાપિત કરી હતી. આ ઉપરાંત ભારતે રાજ્યમાં સ્થાનિક જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સફળ રીતે પાર પાડી હતી,જેમાં વિરોધ પક્ષોએ બહુમતી મેળવી હતી, એમ અહેવાલ કહે છે.

સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ (SATP)ના અહેવાલ મુજબ આતંકવાદી હુમલાઓને કારણે વર્ષ દરમ્યાન 99 નાગરિકો, 106 સુરક્ષા દળો અને 383 આતંકવાદીઓનાં મોત થયાં હતાં, જે SATPએ વર્ષ 2000થી અહેવાલ આપવાનું શરૂ કર્યું ત્યારથી મૃત્યુ પામેલ નાગરિકોની સંખ્યા સૌથી ઓછી છે. જુલાઈ સુધી આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં છ રાજકીય પક્ષોના નેતાઓની હત્યા કરી હતી.

જોકે અમેરિકાના રિપોર્ટમાં ભારતમાં માનવ અધિકારના મહત્ત્વના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા અને પ્રેસ પરના નિયંત્રણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં હિંસા, હિંસાની ધમકીઓ, પત્રકારોનીસામે ગેરકાયદે કાર્યવાહી, સોશિયલ મિડિયા ભાષણ, સેન્સરશિપ, વેબસાઇટ બ્લોકિંગ, બિનસરકારી સંસ્થાઓ પર નિયંત્રણ સાથેના નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.