કાબુલઃ અફઘાનિસ્તાન દેશ આમ તો ઈસ્લામી છે અને હાલ ત્યાં કટ્ટરવાદી તાલીબાન સંગઠનનું રાજ છે. પરંતુ ચીન તરફથી મોટા પાયે આર્થિક મૂડીરોકાણ મળે અને દેશના વિકાસની ગાડી પાટા પર ચડે એવી આશાએ તાલીબાન શાસકો ચીનને ખુશ કરવા ભગવાન બુદ્ધની અફઘાનિસ્તાનના ગ્રામિણ ભાગોમાં બૌદ્ધની પ્રાચીન મૂર્તિઓ, પ્રતિમાઓ, ગુફાઓનો નાશ થતો અટકાવી એની સંભાળ લેવા માંડ્યા છે. અમેરિકા અને તેના મિત્ર દેશોએ પોતપોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછાં ખસેડી લીધા તે પછી તાલીબાન સંગઠને અફઘાનિસ્તાન પર શાસન એમને હસ્તક લઈ લીધું છે. હવે તેઓ ચીનને ઈન્વેસ્ટમેન્ટ કરવા આકર્ષિત કરે છે. એ માટે તેઓ અફઘાનિસ્તાનના પહાડો પર અને જંગલોમાં જે કોઈ સ્થળે ભગવાન બુદ્ધની પથ્થરોમાંથી કોતરવામાં આવેલી મૂર્તિઓની સંભાળ લઈ રહ્યા છે. અનેક ગુફાઓની અંદર તથા એની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા બુદ્ધની સેંકડો પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. અફઘાનિસ્તાનને હાલ આર્થિક મદદની સખત જરૂર છે. તાલીબાન કટ્ટરવાદી સંગઠને શાસન કબજે કર્યું હોવાથી અમેરિકા તથા અન્ય ઘણા દેશોએ આર્થિક નિયંત્રણો લાદ્યા હોવાથી અફઘાનિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. એવામાં તાલીબાન ચીન તરફથી મદદની અપેક્ષા રાખે છે.
બૌદ્ધ ચીનનો મુખ્ય ધર્મ છે. ચીનનાં લોકો તાઓવાદ અને બૌદ્ધવાદમાં સમાનતા જુએ છે. તેથી તેઓ બુદ્ધ અને તાઓઈસ્ટ ભગવાન, એમ બંનેને પૂજે છે. ચીનમાં કરોડો લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. બુદ્ધ, એટલે કે ગૌતમ બુદ્ધ અર્થાત સિદ્ધાર્થ ગૌતમ અસલમાં પ્રાચીન ભારતમાં એક રાજા હતા, પણ બાદમાં મન પરિવર્તન થતાં ધાર્મિક-આધ્યાત્મિક ઉપદેશક બની ગયા હતા. આશરે 2,000 વર્ષ પહેલાં હાન રાજવંશ દરમિયાન બૌદ્ધ ધર્મ ભારતમાંથી ચીનમાં પહોંચ્યો હતો.