કોરોનાના હાઇબ્રિડ વેરિયેન્ટથી ચોથી લહેરનું જોખમ?: WHO

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના હાઇબ્રિડ વેરિયેન્ટ અથવા બે અલગ-અલગ વાઇરસના એક વેરિયેન્ટને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સજાગ થઈ ગયું છે. એ ઝીણવટભરી દેખરેખ રાખી રહી છે. WHOનું કહેવું છે કે નવા વેરિયેન્ટથી એ લોકો સંક્રમિત થઈ શકે છે, જે પહેલાં સંક્રમિત થઈ ચૂક્યા છે અથવા જેમને રસી લાગી ચૂકી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા વેરિયેન્ટની બારીકીથી દેખરેખ જરૂરી છે, જેથી એના બચાવ માટે કામ કરી શકાય. આ પ્રકારના વેરિયેન્ટ ખતરનાક મનાતા ડેલ્ટા અને ઓમિક્રોન- બંનેનાં લક્ષણો હોય છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયેલ જેવા દેશોમાં પહેલાં કોરોના દર્દીઓમાં આવી ચૂક્યા છે. જોકે દેશમાં આવા પ્રકારનાં લક્ષણોવાળા કેસો નથી નોંધાયા.

દેશમાં કોરોનાના દર્દીઓમાંથી લીધેલા નમૂનાઓની જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે, એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિરી સાયન્સિસના વાઇસ ચાન્સેલર ડો. એસ. કે. સરીનનું કહેવું છે. તેમણે જણાવ્યું હતું કે અમારી વાઇરોલોજી લેબમાં જિનોમ સિક્વેન્સિંગનાં હાલના પરિણામોથી માલૂમ પડે છે કે હજી સંક્રમણ ફેલાવનારા આશરે 98 ટકા વેરિયેન્ટ BA.2 છે. બાકી BA.1 છે. આ બંને ઓમિક્રોનના વેરિયેન્ટ છે. ડો. સરિને કોઈ પણ પ્રકારની બેદરકારીને લઈને ચેતવણી ઉચ્ચારી છે, કેમ કે એનાથી રોગચાળાની ચોથી લહેર આવવાની શક્યતા છે.

વિશ્વમાં કોરોનાના કેસો ફરીથી ઝડપથી વધી રહ્યા છે. એ વધારો ઓમિક્રોનના ઉપ વેરિયન્ટ BA.2ને કારણે છે, એમ વૈજ્ઞાનિકોનું કહેવું છે. જોકે દેશના ટોચના વાઇરોલોજિસ્ટ ડો. ગગનદીપ કંગનું કહેવું છે કે ત્રીજી લહેરમાં BA.2ના મોટા ભાગના કેસો નોંધાયા હતા, જેથી એક જ વેરિયેન્ટથી  ફરીથી સંક્રમિત થવાની શક્યતા નથી, પરંતુ આપણે સતર્ક રહેવાની વધુ જરૂર છે.