‘RRR’ આખી HD-ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ

હૈદરાબાદઃ દિગ્ગજ દિગ્દર્શક એસ.એસ. રાજમૌલીએ બનાવેલી તેલુગુ ફિલ્મ ‘RRR’ ખૂબ પ્રતિક્ષા કરાવ્યા બાદ આજથી થિયેટરોમાં રજૂ થઈ છે, પરંતુ આ ફિલ્મ પાઈરસી દૂષણનો શિકાર બની ગઈ છે. આ ફિલ્મ ઓનલાઈન માધ્યમ પર લીક થઈ ગઈ છે. Asianetnewsable.com ના દાવા મુજબ, પાઈરસી (મૂળ કોપીની ચોરી-નકલ) આધારિત વેબસાઈટો પર તેમજ Tamilrockers જેવા પ્લેટફોર્મ્સ પર આ ફિલ્મની હાઈ-ડેફિનિશન (HD) કોપી સર્ક્યૂલેટ થઈ રહી છે. Tamilrockers ટોચની પ્રાદેશિક, હિન્દી તથા હોલીવુડ ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થાય એ પહેલાં જ ઓનલાઈન લી કરી દેવા માટે કુખ્યાત છે. આને કારણે ફિલ્મનિર્માણ બિઝનેસને મોટો ફટકો પડે છે.

કેટલાક પ્રશંસકોએ ‘RRR’ ઈન્ટરનેટ પર લીક થઈ ગયાની જાણ કર્યા બાદ રાજમૌલી તથા ‘RRR’ના કલાકારો માટે સહાનુભૂતિ અને સમર્થનનો ધોધ વહેતો થયો હતો. એક પ્રાચીન મહાકાવ્ય પર આધારિત એક્શન ફિલ્મ ‘RRR’માં એન.ટી. રામારાવ જુનિયર, રામચરણ, આલિયા ભટ્ટની ભૂમિકા છે. ઓનલાઈન લીક થયેલી ‘RRR’ કંઈ પહેલી તેલુગુ ફિલ્મ નથી. આ પહેલાં પુષ્પા વકીલ સાબ, ભીમલા નાયક, ખિલાડી, રાઉડી બોયઝ, જ્હાન્વી કપૂરની રૂહી, મોહનલાલની દ્રશ્યમ 2, અંગ્રેજી મિડિયમ, શુભ મંગલ જ્યાદા સાવધાન, લવ આજ કલ, સ્ટ્રીટ ડાન્સર 3D ફિલ્મો પણ ઓનલાઈન લીક થઈ હતી.