દિશા સાલ્યાનની હત્યાનો સીબીઆઈને-પુરાવો આપીશઃ નિતેશ રાણે

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી કે દિશા સાલ્યાને આત્મહત્યા નહોતી કરી, પણ એની હત્યા કરવામાં આવી હતી. હું એ વિશેનો પુરાવો ટૂંક સમયમાં જ અદાલત મારફત સીબીઆઈને સુપરત કરવાનો છું. મારી પાસે એક પેન ડ્રાઈવ છે અને તેમાં પુરાવો છે કે દિશા સાલ્યાનની હત્યા કરવામાં આવી હતી. અમે એને ન્યાય અપાવીશું.

દિશા સાલ્યાન દિવંગત બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. 2020ની 8 જૂને મલાડમાં તેનું મૃત્યુ થયું હતું. એના ચાર અમુક દિવસો બાદ, 14 જૂને સુશાંતસિંહ બાન્દ્રાસ્થિત એના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો.

દિવંગત દિશા સાલ્યાન અને તેનાં માતા-પિતાની ફાઈલ તસવીર

દિશાનાં માતાપિતા – માતા વાસંતી સાલ્યાન અને પિતા સતિષ સાલ્યાનએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લેખિતમાં અરજી કરી છે કે નારાયણ રાણે અને નિતેશ રાણે સામે પગલાં લેવામાં આવે, કારણ કે તેઓ એમની દિવંગત પુત્રીને બદનામ કરી રહ્યા છે. અમારી પુત્રીનાં મરણ તથા ત્યારબાદ રાણે પિતાપુત્ર તથા અન્યો દ્વારા અમારી પુત્રી વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી હોવાથી અમારું જીવવું દુષ્કર બની ગયું છે. અમને એવું લાગે છે કે જ્યાં સુધી અમે જીવતાં હોઈશું ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે, કારણ કે જીવન જીવવાના, ગોપનીયતા જાળવવાનાં અને સમ્માન સાથે જીવવાનાં અમારાં મૂળભૂત અધિકાર કરતાં ખોટી માહિતી ફેલાવવાનો એમનો અધિકાર વધારે મહત્ત્વનો છે. તેથી અમે આપને વિનંતી કરીએ છીએ કે યોગ્ય પગલાં લેવા માટે સંબંધિત સત્તાવાળાઓને આદેશો આપો જેથી ન્યાય થઈ શકે, નહીં તો અમારે માટે અમારાં જીવનનો અંત લાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.