ચીન અને મંગોલિયાના 6 દિવસના રાજકીય પ્રવાસે સુષમા સ્વરાજ

બિજીંગ- વિદેશપ્રધાન સુષમા સ્વરાજ ચીન અને મંગોલિયાના છ દિવસના રાજકીય પ્રવાસે રવાના થયા છે. આ દરમિયાન તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની (SCO) બેઠકમાં પણ હાજરી આપશે. આ વિદેશ યાત્રા દરમિયાન સુષમા સ્વરાજ ચાર દિવસ ચીનના પ્રવાસે અને બે દિવસ મંગોલિયાના રાજકીય પ્રવાસે જશે.આ દરમિયાન રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ 24 એપ્રિલે ચીનમાં યોજાનારી રક્ષાપ્રધાનોની બેઠકમાં હાજરી આપશે. સુષમા સ્વરાજ શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવાની સાથે ચીનના રાજકીય પ્રવાસની શરુઆત કરશે. સુષમા સ્વરાજ તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષી ચર્ચા કરશે. રાજકીય પંડિતોનું માનીએ તો આ મુલાકાતથી ભારત અને ચીનના રાજકીય સંબંધો મજબૂત થશે. આ પહેલા સુષમા સ્વરાજ વર્ષ 2015માં ચીન પ્રવાસે ગયા હતા.

સુષમા સ્વરાજ એવા સમયે ચીન યાત્રા પર ગયા છે, જ્યારે ડોકલામમાં સર્જાયેલા સૈન્ય ગતિરોધ બાદ બન્ને દેશ તણાવ અને અવિશ્વાસ ઘટાડવા ઉચ્ચસ્તરીય ચર્ચા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ના મધ્યભાગમાં ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે 73 દિવસ સુધી સૈન્ય ગતિરોધ સર્જાયો હતો. પરમાણુ આપૂર્તિકર્તા સમૂહમાં (NSG) ભારતના પ્રવેશને લઈને ચીન દ્વારા ભારતનો વિરોધ અને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા પર ચીન દ્વારા પાકિસ્તાનનો બચાવ કરાયા બાદ ભારત ગુસ્સામાં હતું. જેથી આ પરિસ્થિતિમાં બન્ને દેશો વચ્ચે સંબંધો પહેલાની જેમ સ્થાપિત કરવા સુષમા સ્વરાજનો ચીન પ્રવાસ મહત્વનો પુરવાર થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]