નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશસના તેમના સમકક્ષ પ્રવિંદ જુગનૌથે મોરિશિયસના સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડિંગનું આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રૂપે ઉદઘાટન કર્યું હતું. એનું નિર્માણ ભારતના સાથસહકારથી થયું છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પોર્ટ લુઈસમાં સુપ્રીમ કોર્ટનું ભવન ભારત-મોરિશસના સહયોગ અને ભાગીદારીનાં મૂલ્યોનું પ્રતીક છે. વડા પ્રધાને આ દરમ્યાન ચીનની ઝાટકણી કાઢી હતી.
ભવનનું નિર્માણ ભારતના આર્થિક સહયોગથી
આ ભવનનું નિર્માણ ભારતના આર્થિક સહયોગથી થયું છે. આ ઉદઘાટન સમારોહમાં જજ, ન્યાય વિભાગના અધિકારી સિવાય બંને દેશોના ગણમાન્ય લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોરિશસ વડા પ્રધાન પ્રવિંદ જુગનૌથે હિન્દીમાં કહ્યું હતું કે ‘मोदी जी, हमारा देश, हमारी जनता आपके समर्थन के लिए आभारी है’.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વિકાસ પ્રતિ ભારતનું વલણ માનવ કેન્દ્રિત છે. અમે માનવતાના કલ્યાણ માટે કામ કરવા ઇચ્છીએ છીએ. ઇતિહાસ આપણને જણાવે છે કે વિકાસાત્મક ગઠબંધનને નામે દેશોને નિર્ભર રહેતા ગઠબંધન માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એણે સામ્રાજ્યવાદી શાસનને પ્રોત્સાહન આપ્યું છે. એણે વૈશ્વિક સત્તા બ્લોકને પ્રોત્સાહન આપ્યું છે.
ચીને વિકાસને નામે પોતાનાં દેવાંની જાળમાં અનેક દેશોને ફસાવ્યા
વડા પ્રધાન મોદીએ ચીનની ટીકા કરતા કહ્યું હતું કે ચીને કેટલાય દેશોને વિકાસને નામ પર પોતાનાં દેવાંની જાળમાં ફસાવ્યા છે, અને પછી પોતાની શરત માનવા માટે મજબૂર કર્યાં છે. પાકિસ્તાન, શ્રીલંકાથી માંડીને દક્ષિણ આફ્રિકા સુદીના કેટલાય દેશો ચીનની આ નીતિનો શિકાર થઈ ચૂક્યા છે. બીજી તરફ ભારતે હંમેશાં મિત્ર રાષ્ટ્રોને વગર શરતે મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે ભારત વિકાસ આધારિત ગઠબંધનનો દ્રષ્ટિકોણ સન્માન, વિવિધતા, ભવિષ્યનું ધ્યાન રાખવા પર અને સતત વિકાસ પર આધારિત હોય છે. તેમણે કહ્યું હતું કે અમારા વિકાસના સહયોગના માર્ગે કોઈ શરત નથી હોતી.
બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ
વર્ચ્યુઅલ ઇવેન્ટને સંબોધિત કરતાં વડા પ્રધાન મોદીએ બંને દેશોની વચ્ચે મૈત્રીના સંબંધ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત મોરિશસ મૈત્રી અમર રહે. તે આ વાક્ય મોરિશસની સ્થાનિક ભાષામાં બોલ્યા હતા.