ભારતીયો માટે 3,000 બ્રિટિશ-વિઝાને સુનકે આપી મંજૂરી

લંડનઃ ઈન્ડોનેશિયાના બાલીમાં 17મા G20 શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થયાના અમુક કલાકોમાં જ બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે ભારતમાંથી બ્રિટનમાં કામ કરવા આવવા માગતા 3,000 યુવા પ્રોફેશનલ વ્યક્તિઓ માટે બ્રિટનના વિઝા મંજૂર કરી દીધા છે. આમ હવે, દર વર્ષે ભારતમાંથી 3,000 પ્રોફેશનલ્સને બ્રિટનમાં કામ કરવાના વિઝા મળશે.

બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે અમારી આ યોજનાનો લાભ લેનાર ભારત પ્રથમ દેશ બન્યો છે. બ્રિટિશ સરકારનો આ નિર્ણય બંને દેશ વચ્ચે ગયા વર્ષે કરવામાં આવેલા સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારીને લગતા કરારની ક્ષમતા પર પ્રકાશ પાડે છે. નવી વિઝા યોજના અંતર્ગત બ્રિટિશ સરકાર 18-30 વર્ષના વયજૂથના ડિગ્રીધારક ભારતીય નાગરિકોને બ્રિટનમાં આવીને બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની છૂટ આપશે.