વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22-24 જૂને અમેરિકાના સત્તાવાર પ્રવાસે જવાના છે. યૂએસ પ્રમુખ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડને આપેલા આમંત્રણને માન આપીને મોદી વોશિંગ્ટનસ્થિત વ્હાઈટ હાઉસમાં બાઈડન દંપતીના મહેમાન બનવાના છે. મોદીની મુલાકાત પૂર્વે ન્યૂ જર્સી રાજ્યની એક રેસ્ટોરન્ટે પીએમ મોદીના માનમાં એમને સમર્પિત એક સ્પેશિયલ થાળી (ભોજન) લોન્ચ કરી છે. એને તેણે ‘મોદીજી થાલી’ નામ આપ્યું છે.
આ થાળી શેફ શ્રીપાદ કુલકર્ણીએ તૈયાર કરાવી છે. એમાં કશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના વિવિધ ભાગોમાં લોકપ્રિય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે, ખીચડી, રસગુલ્લા, સરસોં કા સાગ, કશ્મીરી દમ આલુ, ઈડલી, ઢોકળા, છાશ, પાપડ વગેરે.
શેફ કુલકર્ણીને એક વિડિયોમાં આ સ્પેશિયલ થાળી પીએમ મોદીને સમર્પિત કરતા દર્શાવવામાં આવ્યા છે. આ વિડિયો સમાચાર સંસ્થા એએનઆઈએ પોસ્ટ કર્યો છે. આ થાળી કલરફૂલ દેખાય છે, એમાં ઓછામાં ઓછી 10 આઈટમો છે. શેફ કુલકર્ણીનું કહેવું છે કે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે કરેલી માગણી અનુસાર અમે મોદીજીના નામવાળી ખાસ થાળી તૈયાર કરી છે. એ તો જાણીતી વાત છે કે ભારતીય લોકોને થાળી-ભોજન સૌથી વધારે પસંદ છે.
રેસ્ટોરન્ટ માલિકની ઈચ્છા છે કે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને પણ સમર્પિત એક વિશેષ થાળી એમને બનાવવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 2019માં કરેલી ભલામણને માન આપીને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ 2023ના વર્ષને ‘બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે ઘોષિત કર્યું છે.