ચીનમાં લગ્નોની સંખ્યામાં ઐતિહાસિક ઘટાડાથી જિનપિંગ ચિંતિત

બીજિંંગઃ ચીનમાં લગ્નો ઐતિહાસિક રૂપે ઓછાં થઈ ગયાં છે. દેશ ઘટતા જન્મદર અને ઘટતી જનસંખ્યાથી ઝઝૂમી રહ્યો છે. દેશમાં લગ્નો વર્ષ 2022માં સૌથી ઓછાં થયાં છે. છેલ્લા એક દાયકામાં લગ્નો અને બાળકો પેદા કરવાના દરમાં સતત ઘટાડો નોંધાયો છે, જેથી જિનપિંગ સરકાર ચિંતિત છે. એનું મુખ્ય કારણ કોવિડ લોકડાઉનના નિયમો જણાવવામાં આવી રહ્યા છે, જેનાથી યુવાઓ લગ્ન કરવા તૈયાર નથી.

નાગરિક મામલાઓના મંત્રાલય અનુસાર વર્ષ 2022માં માત્ર 6.83 મિલિયન કપલ્સે લગ્નોનાં નોંધણી કરી, જે ગયા વર્ષની તુલનાએ આઠ લાખ ઓછાં હતાં. ગયા વર્ષે વિવાહની સંખ્યા 2013માં 13.47 મિલિયનની લગભગ અડધી હતી. લગ્ન કરનારાં કપલોમાં ઘટાડાનું કારણ કોવિડના પ્રતિબંધો પણ રહ્યા છે. મોટા ભાગનો સમય લોકો ઘરોમાં કેદ રહ્યા છે.

ગયા વર્ષે ચીનમાં ઘટતાં લગ્નોનાં બે કારણ બતાવવામાં આવ્યાં હતાં, જેમાં પહેલું કારણ વસતિવધારા માટે બનાવવામાં આવેલી નીતિઓ અને બીજું કારણ લગ્નો પ્રત્યે બદલાતો દ્રષ્ટિકોણ છે. ખાસ કરીને યુવા મહિલાઓમાં જે વધુ શિક્ષિત અને આર્થિક રીતે સંપન્ન છે – એ સ્વતંત્ર થઈ રહી છે.

ગયા મહિને ચીની સરકારે કહ્યું હતું કે સરકાર 20થી વધુ શહેરોમાં લગ્નો અને બાળકો પેદા કરવા માટે સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરશે. જેથી બાળકો પેદા કરવા માટે સાનુકૂળ સામાજિક વાતાવરણ તૈયાર કરી શકાય.  વળી, ચીનમાં પુરુષો માટે પહેલા લગ્નની સરેરાશ વય 2010માં 25.75થી વધીને 2020માં 29.38 થઈ હતી, એ જ રીતે મહિલાઓ માટે પહેલા લગ્નની વય 2010ના 24 વર્ષથી વધીને 27.95 થઈ ગઈ હતી.