ઈસ્લામાબાદઃ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ જૂથ)ના પ્રમુખ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે આજે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એમની પહેલાના વડા પ્રધાન ઈમરાન ખાન સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પરના મતદાનમાં હારી ગયા બાદ શરીફે દેશના નવા વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળવા માટે ગઈ કાલે રાષ્ટ્રીય ધારાસભાને પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું. ઈમરાન ખાનના વડપણ હેઠળની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ ગૃહમાં આજની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
70 વર્ષીય શાહબાઝ શરીફ પંજાબ પ્રાંતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે અને ત્રણ વખત વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ છે. શાહબાઝ વડા પ્રધાન બનતાં ક્રિકેટરમાંથી નેતા-વડા પ્રધાન બનેલા ઈમરાન ખાનના ચાર વર્ષ સુધી ચાલેલા શાસનનો મુદત પૂરી થાય એ પહેલા અંત આવી ગયો છે.