અફઘાનિસ્તાન, પાકિસ્તાન વચ્ચે ફરી એક વાર અથડામણઃ 40થી વધુનાં મોત

ઇસ્લામાબાદઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર તણાવ આજે પણ યથાવત્ છે. કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લામાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં ઓછામાં ઓછા 20 અફઘાન નાગરિકોનાં મોત થયા અને 80થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ આતંકી હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની સેના કંધાર પ્રાંતના આ વિસ્તારમાં હુમલો કરી રહી હતી. અફઘાન અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાને સવારે ચાર વાગ્યે સરહદ પર ગોળીબારી શરૂ કરી હતી, જેના જવાબમાં અફઘાન દળોએ પણ આકરો પ્રતિકાર આપ્યો હતો. આ અથડામણમાં બંને તરફથી જાનહાનિ થઈ છે.

40થી વધુ લોકોનાં મોત

અફઘાનિસ્તાનના જિલ્લા માહિતી અધિકારી અલી મહમ્મદ હકમલના જણાવ્યા મુજબ પાકિસ્તાની ગોળીબારીમાં 20થી વધુ લોકોનાં મોત થયાં છે અને 80થી વધુ ઘાયલ થયા છે. જોકે પાકિસ્તાની દળોના મૃતકોની સંખ્યા હજી સ્પષ્ટ નથી. અફઘાન સેનાએ કહ્યું છે કે પાકિસ્તાને સરહદનું ઉલ્લંઘન કર્યું છે અને આતંકીઓને આશરો આપ્યો છે.

તેમને એક અફઘાન સૈનિકનો ઓડિયો રેકોર્ડિંગ મળ્યો છે જેમાં તે પાકિસ્તાની સૈનિકોને સંબોધિત કરીને કહે છે: હુમલો તમારી તરફથી શરૂ થયો હતો. તમે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.સૈનિકે આગળ કહ્યું હતું કે અફઘાન સેનાના વરિષ્ઠ અધિકારીઓના આદેશ મળ્યા સુધી માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને પાછા આપશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની તરફથી યુદ્ધવિરામના વિનંતી બાદ લડાઈ અટકી હતી.

લોકો અન્ય વિસ્તારોમાં શરણાર્થી બન્યા

આ અથડામણને કારણે સ્પિન બોલ્ડકના વેશ બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ સુરક્ષિત વિસ્તારો તરફ ભાગ્યા હતા. પાકિસ્તાની સેનાએ દક્ષિણ-પૂર્વ પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લાના માર્ગી બજાર વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હોવાનું કહેવાય છે, જેનાથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયું. કાબુલમાં વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો.

આ હુમલા બાદ, અફઘાનિસ્તાનની ઇસ્લામિક અમીરાત (IEA)ના દળોએ કંધાર, હેલમંદ, જાબુલ, નંગરહાર, પક્તિયા, પક્તિકા અને ખોસ્ટ પ્રાંતોમાં ડ્યૂરન્ડ રેખા પાસેની પાકિસ્તાની સરહદી ચોકીઓ પર હુમલો કર્યો હતો.

આ પહેલાં IEAના મુખ્ય પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે અફઘાન દળોએ જવાબી કાર્યવાહી દરમિયાન લગભગ 20 પાકિસ્તાની સરહદી ચોકીઓ કબજે કરી છે, જેમાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને લગભગ 30 ઘાયલ થયા હતા.