ઈમરાને સત્તા ગુમાવી; શાહબાઝ બનશે પાકિસ્તાનના-નવા PM

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સંસદ (રાષ્ટ્રીય ધારાસભા ગૃહ)એ અવિશ્વાસના પ્રસ્તાવ પરના મતદાનમાં શાસક ઈમરાન ખાનની વિરુદ્ધમાં મત આપતાં પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીની સરકારનું પતન થયું છે. સંસદની બેઠક 11 એપ્રિલના સોમવારે બપોરે 2 વાગ્યે મળશે અને ત્યારે દેશના નવા વડા પ્રધાનનું નામ ઘોષિત કરાશે. 70 વર્ષના વિપક્ષી નેતા અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ જૂથ)ના નેતા શાહબાઝ શરીફ નવા વડા પ્રધાન બને એવી ધારણા રખાય છે. આ સાથે વડા પ્રધાન તરીકેની મુદત પૂરી થયા પહેલા અવિશ્વાસના પ્રસ્તાવ મારફત હોદ્દા પરથી દૂર કરાનાર ઈમરાન ખાન (69) પાકિસ્તાનના પહેલા વડા પ્રધાન બન્યા છે. સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરનાર ઈમરાન દેશના ત્રીજા વડા પ્રધાન છે. 1989માં પ્રસ્તાવ પરના મતદાનમાં બેનઝીર ભૂટ્ટો 125 મતથી અને તે પછી શૌકત અઝિઝ 201 મતથી વિજયી થયા હતા. ઈમરાન ખાને 2018ની 18 ઓગસ્ટથી દેશના 22મા વડા પ્રધાન તરીકેનું પદ સંભાળ્યું હતું.

પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચા વખતે અવારનવાર અવરોધો નડ્યા હતા એને કારણે ચર્ચા ચાર વખત મુલતવી રાખવી પડી હતી. ગૃહના સ્પીકર અને નાયબ સ્પીકરે એમના હોદ્દો પરથી રાજીનામું આપ્યું હતું. સ્પીકર અસાદ કૈઝરે ત્યારબાદ કાર્યવાહીનો હવાલો સમિતિના ચેરમેન અયાઝ સાદિકને સોંપ્યો હતો. આખરે તેના એક કલાક પછી, રવિવારની મધરાત બાદ મતદાન હાથ ધરાયું હતું જેમાં બહુમતી 174 સભ્યોએ ઈમરાન ખાનને વડા પ્રધાન પદ પરથી દૂર કરવાની તરફેણમાં વોટ આપ્યો હતો. ઈમરાન ખાને અગાઉ એવો દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય ધારાસભામાં કુલ 342 સભ્યોમાંથી 172 સભ્યોનો પોતાને ટેકો છે અને તેઓ પ્રસ્તાવ પરના મતદાનમાં જીતી જશે અને વડાપ્રધાન પદ ટકાવી રાખશે, પરંતુ મતદાન વખતે પીટીઆઈ પક્ષના સભ્યો ગેરહાજર રહ્યા હતા.

શાહબાઝ શરીફે બાદમાં કહ્યું હતું કે વડા પ્રધાન બન્યા બાદ પોતે ઈમરાન ખાન વિરુદ્ધ કોઈ પ્રકારનો બદલો નહીં લે અને પાકિસ્તાનમાં એક નવા યુગનો આરંભ કરાવશે એવું વચન આપ્યું હતું.

શાહબાઝ શરીફ અગાઉ ત્રણ વખત વડા પ્રધાન બની ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ છે. એમણે લાહોરમાં સરકારી યુનિવર્સિટીમાંથી આર્ટ્સની ડિગ્રી હાંસલ કરી હતી. શાહબાઝ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]