નવી દિલ્હીઃ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીના આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેથી મુલાકાત કરશે. તેઓ વડા પ્રધાન મોદી સાથે આવતી કાલે દ્વિપક્ષી વિચારવિમર્શ કરશે. વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર સાથે તેઓ સાંજે મુલાકાત કરશે. તેઓ ભારત પ્રવાસ દરમ્યાન વોટર મેનેજમેન્ટ કાયદા, સૂચના અને પ્રસારણ રેલવે અને સાયન્સ ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સાત સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરે એવી સંભાવના છે. વિદેશપ્રધાન એ. કે. અબ્દુલ મોમેને આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ક્રૂડ મુદ્દે પણ વાટાઘાટ થવાની સંભાવના છે. મોદી અને હસીના વચ્ચેની વાતચીતમાં વિવિધ મુદ્દાઓ જેવા કે સુરક્ષા સહકાર, મૂડીરોકાણ, દ્વિપક્ષી વેપાર અને ઊર્જી ક્ષેત્રે સહકાર, બંને દેશો વચ્ચેની કોમન નદીના પાણી વહેંચણી, જળ સ્રોતોના વહીવટ, સરહદનો વહીવટ, ડ્રગ્સની દાણચોરી અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવે એવી સંભાવના છે.રશિયા-યુક્રેન સંકટ, વૈશ્વિક આર્થિક મંદી અને કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં તેમની ભારત મુલાકાત એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયના બે પડોશી દેશોમાં ઊભા થનારા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું.
વળી, 2019 પછી હસીનાની ભારત મુલાકાત પહેલી વારની છે. તેમના પ્રતિનિધિમંડળમાં વિદેશપ્રધાન મોમેન, વેપારપ્રધાન ટીપુ મુનશી, રેલવેપ્રધાન Md નુરુલ ઇસ્લામ સુજેન સહિત અન્ય મહાનુભાવો સામેલ છે.