મોસ્કોઃ રશિયા કોઈ પણ સમયે યુક્રેન પર હુમલો કરે એવી શક્યતા છે. યુદ્ધ થવાની આશંકાને લીધે અમેરિકાએ પોતાના રાજદૂતોને યુક્રેનથી પરત ફરવાનો આદેશ કર્યો છે. રશિયા અને અમેરિકાના અધિકારી યુદ્ધ સંકટને ટાળવા માટે સતત બેઠક કરી રહ્યા છે. યુક્રેન બોર્ડર પર રશિયાએ 60 બેટેલિયનને તહેનાત કરી છે. હાલ યુક્રેન બોર્ડરે રશિયાના સૈનિકોની સંખ્યા 80,000થી એક લાખની છે. રશિયાની સેના બોર્ડર એરિયામાં બરફ સંપૂર્ણ રીતે જામી જવાની રાહ જોઈ રહ્યા છે, જેથી સૈનિકો અને આર્ટિલરીને મુવ કરવામાં સરળતા રહેશે, એમ અમેરિકી ઇન્ટેલિજન્સનું માનવું છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના વિદેશ વિભાગે પહેલેથી યુક્રેન માટે લેવલ ચારની એડવાઇઝરી જારી કરી છે, જેમાં અમેરિકી નાગરિકોને કહેવામાં આવ્યું છે કે કોરોના રોગચાળા અને રશિયાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને હાલપૂરતું યુક્રેનની યાત્રા ના કરતા. યુદ્ધ હોવાના સંકેત એ સમયે મળ્યા હતા, જ્યારે અમેરિકાએ યુક્રેનને 90 ટનની ઘાતક મદદ પહોંચાડી હતી. એમાં સરહદે તહેનાત સૈનિકો માટે હથિયાર પણ સામેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડિસેમ્બરમાં યુક્રેનને 20 કરોડ એટલે કે રૂ. 1488 કરોડની સુરક્ષા સહાયતા પેકેજને મંજૂરી આપી હતી.
યુક્રેન એક સોવિયેટ રાષ્ટ્ર છે. વર્ષ 2014માં રશિયાએ મોટું પગલું ભરતાં યુક્રેનના હિસ્સા રહેલા ક્રીમિયા પર કબજા કરી લીધો છે. જે પછી યુક્રેનની સેના અને રશિયા સમર્થિત અલગાવવાદીઓમાં લડી જારી છે. આ લડાઈમાં 14,000થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 20 લાખ લોકોએ ઘર છોડવા પડ્યાં છે. અમેરિકાએ હાલમાં દાવો કર્યો હતો કે રશિયા યુક્રેન પર ગમેત્યારે હુમલો કરી શકે છે. જે પછી અમેરિયા અને યુરોપે ચેતવણી આપી હતી કે જો રશિયા આ દેશ પર હુમલા અથવા કબજો કરશે તો એના પર કડક પ્રતિબંધ લગાવવામાં આવશે.