શું દરેકને ઓમિક્રોનનો ચેપ લાગશે?

જિનેવાઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના આલ્ફા, બીટા, ડેલ્ટા જેવા વેરિઅન્ટ્સને ઝડપથી પાછળ પાડી રહેલા ઓમિક્રોન વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ટેક્નિકલ વિભાગનાં વડાંએ ચિંતા વ્યક્ત કરી છે. એમનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ લોકોમાં ફેલાઈ જવામાં બહુ સક્ષમ છે.

WHOનાં ટેક્નિકલ વિભાગનાં વડાં મારિયા વાન કેર્ખોવે એક કાર્યક્રમ દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતાં ઓછો ગંભીર છે, પરંતુ અગાઉના વેરિઅન્ટ્સની જેમ આ વેરિઅન્ટ પણ રોગ પૂરેપૂરો લગાડી શકે છે. ઓમિક્રોનનો ચેપ લાગ્યા બાદ એવા લોકોને ગંભીર કોરોના થઈ શકે છે જેમણે રસીનો એકેય ડોઝ લીધો ન હોય કે જેઓ વૃદ્ધ હોય. ફેલાવાની દ્રષ્ટિએ ઓમિક્રોન જાતનો કોરોના ડેલ્ટાને ઓવરટેક કરી રહ્યો છે એ લોકોની વચ્ચે આસાનીથી ફેલાઈ જાય છે. દુનિયાભરમાં ઓમિક્રોનના કેસ ખૂબ વધી ગયા છે, પરંતુ દરેક વ્યક્તિને ઓમિક્રોન થશે એવું કહી ન શકાય. હાલને તબક્કે, કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાયા છે. ભારત તે પછી બીજા નંબરે છે.