વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને અમેરિકામાં આગામી ઉનાળાની મોસમ દરમિયાન અમેરિકાની મુલાકાતે આવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હોવાનો અહેવાલ છે. આ આમંત્રણનો ભારત સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે અને બંને દેશના અધિકારીઓ આ મુલાકાત માટેની અનુકૂળ તારીખો નક્કી કરવામાં વ્યસ્ત છે. અમેરિકામાં ઉનાળાની મોસમ જૂન મહિનાથી શરૂ થતી હોય છે અને સપ્ટેમ્બર સુધી ચાલતી હોય છે.
ભારત આ વર્ષમાં G20 સમૂહ રાષ્ટ્રોનાં સંમેલનોનું યજમાન બન્યું છે એટલે સ્વાભાવિક રીતે આખું વર્ષ તે સંબંધિત અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. મુખ્ય સંમેલન સપ્ટેમ્બરમાં યોજાશે. એમાં અમેરિકી પ્રમુખ બાઈડન પણ હાજરી આપશે. મોદીની મુલાકાત જૂન કે જુલાઈ મહિનામાં યોજાય એવી શક્યતા છે, કારણ કે એ વખતે અમેરિકાની સંસદમાં બંને ગૃહોનું સત્ર ચાલુ હશે. મોદી ત્યારે ઓછામાં ઓછા બે દિવસ ફાળવીને અમેરિકાની મુલાકાતે આવે, અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરે અને વ્હાઈટ હાઉસમાં સત્તાવાર ડિનર લે એવું અમેરિકાના સત્તાવાળાઓ ઈચ્છે છે.