વોશિંગ્ટનઃ એક અશ્વેત નાગરિકનું પોલીસના તાબા વખતે મરણ નિપજ્યા બાદ અમેરિકાભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા છે. હિંસક દેખાવોનો અંત લાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લશ્કરને તૈનાત કરવાની ધમકી આપી છે.
ગઈ કાલે વ્હાઈટ હાઉસ નજીક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને શાંતિપૂર્વક દેખાવો કરતા હતા, પણ પોલીસે એમને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યો હતો અને રબરની ગોળીઓ ફાયર કરી હતી.
રોઝ ગાર્ડનમાં કરેલા સંબોધનમાં ટ્રમ્પે સંકલ્પ કર્યો હતો કે મોટા શહેરોમાં ફાટી નીકળેલા રમખાણોનો તેઓ તાત્કાલિક અંત લાવી દેશે. એમણે કહ્યું કે જો રાજ્યોના ગવર્નરો નેશનલ ગાર્ડની મદદ લેવાની ના પાડશે તો પોતે લશ્કરને તૈનાત કરશે. હિંસાને રોકવા માટે શહેરોના મેયરો અને ગવર્નરોએ વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવો જ પડશે. જો કોઈ શહેર કે રાજ્ય પગલાં ભરવાનો ઈનકાર કરશે તો રહેવાસીઓના જાન-માલનું રક્ષણ કરવા માટે હું યુનાઈટેડ સ્ટેટ્સ મિલિટરીને તૈનાત કરી દઈશ અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી દઈશ.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી કરેલા સંબોધનમાં કહ્યું હતું કે હું દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આપનો પ્રમુખ છું અને શાંતિપૂર્ણ દેખાવકારોનો સાથી છું. પરંતુ, અમુક દિવસોથી દેશ અરાજકતાવાદીઓ, હિંસક ભીડ, અપરાધીઓ, હુલ્લડખોરો અને આગચંપી કરનારાઓ સકંજામાં આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે મિનીપોલીસ શહેરમાં ગયા સોમવારે એક શ્વેત પોલીસ અધિકારીએ એક અશ્વેત શખ્સને તેના ઘૂંટણ નીચે 9 મિનિટ સુધી દબાવી રાખીને મારી નાખ્યો હતો. એ શખ્સનું નામ જ્યોર્જ ફ્લોઈડ હતું અને એ 46 વર્ષનો આફ્રિકન-અમેરિકન હતો. શ્વાસ રૂંધાઈ જવાને કારણે એનું મરણ નિપજ્યું હતું. એનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.
એક દુકાનમાં નકલી બિલનો ઉપયોગ કરવાની શંકા પરથી જ્યોર્જ ફ્લોઈડની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યોર્જ ફ્લોઈડના મરણ માટે પોલીસ ઓફિસર ડેરેક ચોવીનની ધરપકડ કરવામાં આવી છે અને એને મિનેસોટાની જેલમાં પૂરી દેવામાં આવ્યો છે.
ફ્લોઈડના મરણની ઘટનાના વિરોધમાં અમેરિકાના અસંખ્ય શહેરોમાં હિંસા ફાટી નીકળી છે અને ઘણા રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. 23 રાજ્યો અને રાષ્ટ્રીય પાટનગર વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે.
1968માં અમેરિકામાં માર્ટિન લુથર કિંગ જુનિયરની હત્યાને પગલે જે કોમી રમખાણો થયા હતા ત્યારપછી આ પહેલી જ વાર આટલા મોટા પાયે દેશમાં કોમી રમખાણો થયા છે. ઠેર ઠેર દેખાવકારોએ પોલીસ વાહનોને આગ ચાંપી છે. રમખાણોમાં શ્વેત અને અશ્વેત, બંને પક્ષના લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.