ઇરાનમાં બળાત્કાર મામલે પોલીસ, ભીડ સામસામેઃ 36નાં મોત

તહેરાનઃ ઇરાનમાં 22 વર્ષની માશા અમિનીનું પોલીસ કસ્ટડીમાં મોત પછી વિરોધ પ્રદર્શનો અટકવાનું નામ નથી લેતા. ગઈ કાલે જેહરાન શહેરમાં 15 વર્ષીય બલૂચ યુવતી પર બળાત્કારના વિરોધમાં દેખાવો થયા હતા. એ દેખાવોને અટકાવવા માટે પોલીસે કરેલા ફાયરિંગમાં 36 લોકોનાં મોતના અહેવાલ છે.

આ વિરોધ-પ્રદર્શનોમાં ગુસ્સે ભરાયેલા લોકોએ સરકારી ઓફિસોમા અને પોલીસ સ્ટેશનોમાં આગ લગાવી દીધી હતી. શુક્રવારે નમાજ પછી બલૂચ જૂથના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ પોલીસે ફાયરિંગ કર્યું હતું.

ગયા સપ્તાહે એક પોલીસ કમાન્ડર પર એક 15 વર્ષીય બલૂચ યુવતીના બળાત્કારના આરોપ લાગ્યા હતા. ઇરાનના પ્રમુખ સુન્ની ધર્મગુરુ મૌલવી અબ્દુલ હમીદે આ યુવતીના બળાત્કારની પુષ્ટિ કરી હતી. ઇરાનના દક્ષિણ-પૂર્વ સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં સુન્ની બલૂચ વસતિ રહે છે. આરોપી કમાન્ડર કર્નલ ઇબ્રાહિમ ખુચાકજઈ છે, તે શિયા મુસ્લિમ છે. પીડિત યુવતી સુન્ની છે.

બલૂચ સમાજના નેતાઓએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમ્યાન બલૂચો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. અહેવાલ મુજબ જેહદાન શહેરનો મોટો હિસ્સો દેખાવકારોના નિયંત્રણમાં છે. આ દેખાવકારોએ  પોલીસ સ્ટેશનો અને ગાડીઓને આગ ચાંપી હતી. ઇરાનની સરકારી ચેનલ મુજબ બેહદાનમાં થયેલી અથડામણમાં 19 લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ પોલીસ કસ્ટડીમાં થયેલા માશા અમિની મોત બાદ હ્યુમન રાઇટ્સ ગ્રુપે કહ્યું હતું કે આશરે બે સપ્તાહના દેખાવોમાં કમસે કમ 83 લોકોનાં મોત થયાં છે.